After Venezuela, Is Greenland Next : વિશ્વ અત્યારે બીજા એક મોટા યુદ્ધના ઉંબરે આવીને ઊભું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ સર્જાયેલા વૈશ્વિક તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC)માં અમેરિકાએ અત્યંત આક્રમક વલણ અપનાવતા જાહેરાત કરી છે કે પૃથ્વીનો સમગ્ર પશ્ચિમી ગોળાર્ધ (Western Hemisphere) તેમની માલિકીનો છે. બીજી તરફ, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો મેળવવાની ચીમકી આપતા નાટો (NATO) સંગઠન તૂટવાની અણી પર આવી ગયું છે.
સુરક્ષા પરિષદમાં અમેરિકાનો દાવો: ‘અમારા વિસ્તારમાં દાદાગીરી નહીં ચલાવીએ’
વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીના અપહરણના મુદ્દે બોલાવવામાં આવેલી ઈમર્જન્સી બેઠકમાં અમેરિકાના રાજદૂત માઈક વોલ્ટ્ઝે હુમલાનો બચાવ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પૃથ્વીનો પશ્ચિમી ગોળાર્ધ, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ પર અમેરિકાની માલિકી છે. અમેરિકાના દુશ્મનો કે સ્પર્ધકો (ચીન-રશિયા) માટે આ વિસ્તારને ઓપરેશન બેઝ બનવા દેવામાં આવશે નહીં. ચીન દ્વારા મધ્ય અને દક્ષિણ અમેરિકાના બંદરો અને રેલવે પર વધી રહેલા કબજાને અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ માને છે.
ટ્રમ્પની ગ્રીનલેન્ડ કબજે કરવાની જાહેરાતથી ખળભળાટ
વેનેઝુએલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લાવવાની વાત કરી છે. ટ્રમ્પે દાવો કર્યો કે ડેનમાર્ક ગ્રીનલેન્ડની સુરક્ષા કરવા સક્ષમ નથી અને રશિયા-ચીનના જહાજો ત્યાં મોટાપાયે ફરી રહ્યા છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, “ગ્રીનલેન્ડ તો અમે ૨૦ જ દિવસમાં લઈ લઈશું.” ટ્રમ્પના આ નિવેદનથી સંકેત મળે છે કે અમેરિકા ટૂંક સમયમાં ગ્રીનલેન્ડ પર સૈન્ય કાર્યવાહી કરી શકે છે.
નાટો (NATO) પર જોખમ: ડેનમાર્ક અને યુરોપના દેશો લાલઘૂમ
ટ્રમ્પના આ તુમાખીપૂર્ણ વર્તન સામે ડેનમાર્કના વડાંપ્રધાન મેટે ફ્રેડરિક્સને આકરી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે જો ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો પ્રયત્ન કરશે, તો તે દુનિયાના સૌથી મોટા સૈન્ય સંગઠન ‘નાટો’નો અંત સાબિત થશે. કોઈ એક નાટો દેશ બીજા નાટો દેશ પર હુમલો કરે તે અસ્વીકાર્ય છે. ગ્રીનલેન્ડ એ ડેનમાર્કનું અર્ધ-સ્વાયત્ત ક્ષેત્ર છે અને તેના ભવિષ્યનો નિર્ણય માત્ર ત્યાંના લોકો જ કરી શકે.
યુરોપિયન રાષ્ટ્રોની એકજૂથતા
જર્મની, ફ્રાન્સ, ઈટાલી, પોલેન્ડ અને યુકે સહિતના દેશોએ ડેનમાર્કને ટેકો જાહેર કર્યો છે. યુરોપિયન નેતાઓએ એકસૂરે જણાવ્યું છે કે ખનીજોથી સમૃદ્ધ આર્કટિક ક્ષેત્રની સુરક્ષા યુરોપની ટોચની પ્રાથમિકતા છે અને અમેરિકાની કોઈપણ પ્રકારની ધમકી સ્વીકારવામાં આવશે નહીં.



