Gujarat24

ડોનાલ્ડ ટ્રમ્પનો વિવાદાસ્પદ આદેશ: નાસાની 67 વર્ષ જૂની ઐતિહાસિક રિસર્ચ લાઇબ્રેરી કાયમ માટે બંધ

Share On :

NASA’s Scientific Heritage at Risk: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક ચોંકાવનારા અને વિવાદાસ્પદ આદેશને પગલે વિશ્વની પ્રતિષ્ઠિત સ્પેસ એજન્સી ‘નાસા’ (NASA)ની સૌથી સમૃદ્ધ ગણાતી રિસર્ચ લાઇબ્રેરી પર હંમેશા માટે તાળાં લાગી ગયા છે. ૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મેરીલેન્ડ સ્થિત ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરની આ ૬૭ વર્ષ જૂની લાઇબ્રેરીને સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે વૈજ્ઞાનિક જગત અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઐતિહાસિક વારસો જોખમમાં
વર્ષ ૧૯૫૯માં નાસાની સ્થાપના સાથે જ શરૂ થયેલી આ લાઇબ્રેરી માત્ર પુસ્તકોનો સંગ્રહ નહોતી, પરંતુ અવકાશ વિજ્ઞાનનો જીવંત ઇતિહાસ હતી. લાઇબ્રેરીમાં ૧,૦૦,૦૦૦ થી વધુ વોલ્યુમ (પુસ્તકો/દસ્તાવેજો) ઉપલબ્ધ હતા. હબલ સ્પેસ ટેલિસ્કોપ અને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ જેવા સીમાચિહ્નરૂપ મિશન્સની ટેકનિકલ વિગતો અને ઐતિહાસિક સંશોધનોનો અહીં સંગ્રહ હતો.

આગામી સમયમાં વધુ સંસ્થાઓ પર તાળાં વાગશે
ડોનાલ્ડ ટ્રમ્પની ‘ભવિષ્યની નવી યોજના’ના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયની અસર માત્ર લાઇબ્રેરી પૂરતી મર્યાદિત નથી. માર્ચ ૨૦૨૬ સુધીમાં આ પરિસરમાં આવેલી ૧૦૦ જેટલી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ લેબોરેટરીઝ અને ૧૩ બિલ્ડિંગ્ઝ પણ બંધ કરી દેવામાં આવશે. નાસાના પ્રવક્તા જેકબ રિમોન્ડના જણાવ્યા અનુસાર, કેટલીક સામગ્રી સરકારી ગોડાઉનમાં ખસેડાશે, જ્યારે બાકીની સામગ્રીનો નાશ કરવામાં આવશે.

વૈજ્ઞાનિકો અને નેતાઓમાં ઉગ્ર આક્રોશ
ટ્રમ્પના આ આદેશથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના એસોસિયેશનમાં ભારે નારાજગી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે, લાઇબ્રેરીમાંથી કિંમતી વૈજ્ઞાનિક ઉપકરણો અને અવકાશયાનોની ડિઝાઇનના ઇલેક્ટ્રોનિક સાધનો બહાર કાઢીને ફેંકી દેવામાં આવ્યા છે.

મેરીલેન્ડના સેનેટર ક્રીસ વાન હોલેનએ આક્ષેપ કર્યો છે કે, “પ્રમુખ ટ્રમ્પ છેલ્લા એક વર્ષથી નાસાને નિશાન બનાવી રહ્યા છે અને આ આદેશ અંતરિક્ષ સંશોધનના કાર્યક્રમોને ભારે નુકસાન પહોંચાડશે. અમે આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરીશું.”