National Security and Tariffs: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ (આયાત જકાત) નીતિનો જોરદાર બચાવ કરતા દાવો કર્યો છે કે આનાથી અમેરિકાની તિજોરીમાં $600 અબજથી વધુની રકમ આવશે. જોકે, બીજી તરફ આર્થિક નિષ્ણાતો અને મેક્રોઇકોનોમિક્સના તાજેતરના આંકડા ટ્રમ્પના આ દાવાઓ પર શંકાની સોય તાકી રહ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક તાકાતનો દાવો
ટ્રમ્પે જણાવ્યું હતું કે વિશ્વના વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને કારણે અમેરિકા આર્થિક રીતે સમૃદ્ધ અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ વધુ મજબૂત બન્યું છે. તેમણે મીડિયા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “ફેક ન્યૂઝ મીડિયા આ સત્ય સ્વીકારશે નહીં કારણ કે તેઓ દેશનો અનાદર કરે છે.” ટ્રમ્પના મતે, અન્ય દેશો અમેરિકા સાથે અયોગ્ય વ્યવહાર કરી રહ્યા છે અને અમેરિકન ઉત્પાદનો પર ભારે વેરો નાખી રહ્યા છે, જેની સામે ટેરિફ એક સચોટ શસ્ત્ર છે.
આંકડાકીય વિરોધાભાસ: આવકમાં સતત ગાબડું
ટ્રમ્પ ભલે મોટી આવકની આશા વ્યક્ત કરી રહ્યા હોય, પરંતુ પેન્થિયોનના આંકડા કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. મેક્રોઇકોનોમિક્સ ડેટા મુજબ
ઓક્ટોબરમાં ટેરિફની આવક $34.2 અબજની ટોચે હતી. નવેમ્બરમાં આવક ઘટીને $32.9 અબજ થઈ. ડિસેમ્બરમાં આવકમાં વધુ ઘટાડો નોંધાયો અને તે $30.2 અબજ પર સ્થિર થઈ. આ ઘટાડો સ્પષ્ટ કરે છે કે ટેરિફથી થતી આવક સતત વધવાને બદલે સળંગ બે મહિનાથી ઘટી રહી છે.
સ્વતંત્ર રિસર્ચ અને ફેડરલ ડેટાના ચોંકાવનારા ખુલાસા
વિવિધ સંસ્થાઓના અંદાજો ટ્રમ્પના $600 અબજના આંકડાથી ઘણા નીચે છે:
બાયપાર્ટિસન પોલિસી સેન્ટર: વર્ષ 2025માં ટેરિફ દ્વારા માત્ર $288 અબજ એકત્ર થવાનો અંદાજ છે.
પોલિટિકો: આ આવક માત્ર $261 અબજ રહેવાની ધારણા છે.
સેન્ટ લુઇસ ફેડ ટ્રેકર: 2025ના ત્રીજા ક્વાર્ટરમાં કુલ વેરાની આવક $331 અબજ હતી, જે અગાઉના વર્ષની સરખામણીએ ઘટાડો સૂચવે છે.
દેવાનો ડુંગર અને ખાધની ચિંતા
આર્થિક સ્થિતિ માત્ર આવક ઘટવા પૂરતી સીમિત નથી. બાયપાર્ટિસન પોલિસી સેન્ટરના જણાવ્યા અનુસાર, સરકારની ક્યુમ્યુલેટિવ ખાધ (Deficit) $439 અબજ સુધી પહોંચી ગઈ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અમેરિકા પરનો કુલ ઋણબોજ હવે $38.5 લાખ કરોડ (Trillion) ને વટાવી ગયો છે.
આમ, એક તરફ પ્રમુખ ટ્રમ્પ ટેરિફને અમેરિકાની આર્થિક મુક્તિનું સાધન ગણાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સતત ઘટતી આવક અને વધતું દેવું અમેરિકન અર્થતંત્ર માટે લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યું છે.



