356 Executed in Saudi Arabia in 2025: સાઉદી અરેબિયાએ વર્ષ 2025માં ફાંસીની સજા આપવામાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ વર્ષે કુલ 356 લોકોને મોતની સજા આપવામાં આવી છે, જે સાઉદી અરેબિયાના ઇતિહાસમાં એક વર્ષમાં આપવામાં આવેલી સૌથી વધુ ફાંસી છે. નિષ્ણાતોના મતે, ડ્રગ્સની હેરાફેરી વિરુદ્ધ દેશની કડક નીતિ આ વધારાનું મુખ્ય કારણ છે.
ડ્રગ્સના ગુનામાં સૌથી વધુ ફાંસી
સરકારી આંકડાઓ મુજબ, 2025માં ફાંસી પામેલા 356 લોકોમાંથી 243 લોકો ડ્રગ્સ સાથે જોડાયેલા ગુનાઓમાં સંડોવાયેલા હતા. નોંધનીય છે કે સાઉદી અરેબિયાએ 2022ના અંતમાં ડ્રગ્સના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા પરનો ત્રણ વર્ષનો પ્રતિબંધ હટાવી લીધો હતો, જેના કારણે હવે ફાંસીના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 2024માં આ આંકડો 338 હતો.
વિશ્વના અન્ય દેશોની સ્થિતિ
વર્ષ 2025ના ચોક્કસ આંકડા હજુ અન્ય દેશો માટે જાહેર થયા નથી, પરંતુ 2024ના ટ્રેન્ડ મુજબ ઈરાનમાં અંદાજે 972 લોકોને ફાંસી આપવામાં આવી હતી. ઈરાક (બીજા ક્રમે) અંદાજે 63 લોકોને ફાંસી આપવામાં આવી હતી, જ્યારે ચીન (ત્રીજા ક્રમે)માં સૌથી વધુ ફાંસી આપવામાં આવતી હોવાનું મનાય છે, પરંતુ ત્યાંની સરકાર આ આંકડા ગુપ્ત રાખે છે.
‘કેપ્ટાગન’ ડ્રગ્સ પર ત્રાટક્યું સાઉદી પ્રશાસન
સાઉદી અરેબિયામાં હાલ ‘કેપ્ટાગન’ (Captagon) નામના પ્રતિબંધિત ડ્રગ્સનું મોટું બજાર છે. આ ડ્રગ્સની તસ્કરી રોકવા માટે હાઈવે અને સરહદી વિસ્તારોમાં ચેકપોઈન્ટ વધારી દેવામાં આવ્યા છે. લાખોની સંખ્યામાં ડ્રગ્સની ગોળીઓ જપ્ત કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ધરપકડ વિદેશી નાગરિકોની થઈ રહી છે.
વિઝન 2030 અને માનવાધિકાર વિવાદ
એક તરફ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ‘વિઝન 2030’ હેઠળ દેશની છબી આધુનિક અને ઉદાર બનાવવા માંગે છે. સાઉદી 2034ના ફૂટબોલ વર્લ્ડ કપની યજમાનીની પણ તૈયારી કરી રહ્યું છે. જોકે, બીજી તરફ આટલી મોટી સંખ્યામાં અપાતી ફાંસીની સજાને કારણે માનવાધિકાર સંગઠનો દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી રહી છે.



