Gujarat24  /  World  /  

ન્યુઝીલેન્ડની સંસદમાં મહિલા સાંસદે ખુદનો AI જનરેટેડ ન્યૂડ ફોટો બતાવ્યો, ડીપફેક્સ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી

ગયા અઠવાડિયે એક મહિલા સાંસદે ન્યુઝીલેન્ડની સંસદમાં AI દ્વારા જનરેટ કરાયેલ ન્યૂડ તસવીર બતાવી હતી. આ જોઈને આખું ગૃહ ચોંકી ગયું હતું. ન્યૂડ ફોટો બતાવતી વખતે સાંસદ લૌરા મેકલુરે કહ્યું, આ મારો ન્યૂડ ફોટો છે, પરંતુ તે વાસ્તવિક નથી. તેમણે વધુમાં એવું પણ કીધુ હતું કે, આ એક ડીપફેક તસવીર છે જે AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

મહિલા સાંસદે કહ્યું કે, આ તસવીર એટલી સાચી લાગે છે. જેને લીધે કોઈ પણ છેતરાઈ શકે છે. પરંતુ હકીકતમાં આ તસવીર નકલી નીકળી છે. સંસદને સંબોધતા લૌરાએ કહ્યું, કોઈપણ મહિલા કે છોકરીએ કોઈપણ સંજોગોમાં પરવાનગી વિના બનાવેલી ડીપફેક પોર્નોગ્રાફીનો ભોગ બનવું જોઈએ નહીં. આ સીધું શોષણ છે. આપણી કાયદો અને વ્યવસ્થા વ્યવસ્થા હજુ સુધી આ મુદ્દાનો સામનો કરવા માટે તૈયાર નથી અને આ સૌથી મોટી સમસ્યા છે.

સાંસદ લૌરા મેકલ્યુરે પણ આ છબી બનાવવાનું કેટલું સરળ હતું તે પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું કે, કેવી રીતે મહિલાઓની છબીઓને ખોટી રીતે રજૂ કરવા માટે AIનો ઉપયોગ કરવામાં આવે છે અને પીડિતો પાસે આ સામે કોઈ મજબૂત કાયદા નથી. આ મુદ્દાને ગંભીરતાથી લઈને લૌરાએ સંસદમાં ડીપફેક ડિજિટલ હાર્મ એન્ડ એક્સપ્લોઇટેશન બિલ રજૂ કર્યું છે. આ બિલમાં પરવાનગી વિના ડીપફેક પોર્નોગ્રાફિક સામગ્રી બનાવવા અને શેર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

મહિલા સાંસદે કહ્યું કોઈ પણ વ્યક્તિને એવું ન લાગવું જોઈએ કે તેનો નકલી ન્યૂડ ફોટો ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે અને તે સંપૂર્ણપણે લાચારી અનુભવે છે. આ ખૂબ જ ડરામણું અને અપમાનજનક છે. આપણે આ બંધ કરવું પડશે. લૌરા મેક્લુરનું આ સાહસિક પગલું હવે ફક્ત ન્યુઝીલેન્ડમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આ ઘટના ડિજિટલ સુરક્ષા, ગોપનીયતા અને મહિલાઓ પ્રત્યેના સન્માન સંબંધિત મુદ્દાઓ પર વૈશ્વિક ચર્ચાની શરૂઆત છે.