Europe Weather Update: સમગ્ર યુરોપ હાલમાં ભારે હિમવર્ષા, બરફના તોફાન અને હાડ થીજવતી ઠંડીની ચપેટમાં છે. મંગળવારે સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિને કારણે અનેક દેશોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મોસમી દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
ફ્રાન્સ: માર્ગ અકસ્માતમાં 5નાં મોત, 6 એરપોર્ટ બંધ
દક્ષિણ-પશ્ચિમી ફ્રાન્સમાં ખરાબ હવામાનને કારણે થયેલા માર્ગ અકસ્માતોમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નીપજ્યા છે. રાજધાની પેરિસમાં છત પર બરફની ચાદર છવાઈ જતાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે હિમવર્ષાને કારણે દેશના છ મુખ્ય એરપોર્ટ બંધ કરી દેવાતા હજારો પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે.
નેધરલેન્ડ: એરપોર્ટ અને રેલ સેવા પ્રભાવિત
નેધરલેન્ડમાં બરફ જમા થવાને કારણે એમ્સ્ટર્ડમના શિફોલ એરપોર્ટ પર લગભગ 400 ફ્લાઈટો રદ કરવામાં આવી છે. એરપોર્ટ ક્રૂ રનવે પર ફસાયેલા વિમાનોમાંથી બરફ હટાવવાની કામગીરીમાં વ્યસ્ત છે. રેલ સિસ્ટમમાં પણ ખામી સર્જાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
બ્રિટન: માઈનસ 12.5 ડિગ્રી તાપમાન અને વીજ કટોકટી
બ્રિટનમાં કાતિલ ઠંડીની લહેર જોવા મળી રહી છે, જ્યાં તાપમાન શૂન્યથી નીચે -12.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે. ગ્લાસગો અને લિવરપુલ જેવા શહેરોમાં વીજ કટોકટી સર્જાઈ છે. સ્કૂલો અને રમતગમતના કાર્યક્રમો મોકૂફ રાખવાની ફરજ પડી છે. ઉત્તરીય સ્કોટલેન્ડમાં 15 સેમી સુધી બરફવર્ષા થઈ છે.
ઈટાલી અને બાલકન દેશોમાં પૂર અને તોફાન
ઈટાલી: રોમમાં સતત વરસાદને કારણે ટિબર નદીમાં પૂર આવતા વેટિકનના ‘એપિફેની’ તહેવારનો ઉત્સાહ ઓસરી ગયો છે. મેયરે લોકોને જોખમી પાર્કથી દૂર રહેવા સૂચના આપી છે.
બાલકન દેશો: સર્બિયા, ક્રોએશિયા અને મોન્ટેનેગ્રોમાં સમુદ્રી તોફાનો અને વરસાદને કારણે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. સારાયેવોમાં વૃક્ષની ડાળી પડવાથી એક મહિલાનું કરૂણ મોત થયું છે.



