Gujarat24

ટ્રમ્પના દાવાઓ પર અમેરિકન દસ્તાવેજોએ જ ફેરવ્યું પાણી: ‘ઓપરેશન સિંદૂર’માં મધ્યસ્થીના કોઈ પુરાવા નહીં

Share On :

The Truth Behind Operation Sindoor: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકવા અંગે કરવામાં આવતા દાવાઓ હવે વિવાદના ઘેરામાં આવ્યા છે. અમેરિકી સરકારના પોતાના સત્તાવાર દસ્તાવેજો (FARA રિપોર્ટ) એ ટ્રમ્પના આ દાવાઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ દસ્તાવેજો અનુસાર, મે ૨૦૨૫માં થયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન અમેરિકાએ મધ્યસ્થી કરી હોય તેવા કોઈ સંકેતો મળતા નથી.

FARA રિપોર્ટમાં મોટો ખુલાસો
અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ તાજેતરમાં જાહેર કરાયેલા રેકોર્ડ્સ દર્શાવે છે કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ સમયે ભારત સરકાર તરફથી અમેરિકા પાસે યુદ્ધવિરામ કે ત્રીજા પક્ષની ભૂમિકા માટે કોઈ માંગણી કરવામાં આવી નહોતી. ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમના હસ્તક્ષેપથી તણાવ ખતમ થયો હતો, પરંતુ સત્તાવાર ફાઈલોમાં આ બાબતનો ક્યાંય ઉલ્લેખ નથી.

લોબિંગ કંપનીના દસ્તાવેજો શું કહે છે?
એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચેની પ્રવૃત્તિઓનું વિવરણ આપતી ત્રણ પાનાની ફાઈલ મુજબ ૨૨ એપ્રિલે પહલગામ આતંકી હુમલાના બે દિવસ બાદ વોશિંગ્ટન સ્થિત એસએચડબલ્યુ પાર્ટનર્સ એલએલસીને ભારતીય દૂતાવાસ દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી. આ કંપનીની નિમણૂક ઉચ્ચ સ્તરીય પ્રવાસો, વેપાર વાટાઘાટો અને અમેરિકન એજન્સીઓ સાથેના નિયમિત કૂટનીતિક તાલમેલ માટે કરવામાં આવી હતી. કંપનીના રેકોર્ડમાં અનેક કોલ, ઈમેલ અને બેઠકોની યાદી છે, પરંતુ તેમાં ક્યાંય પણ ‘યુદ્ધવિરામ’ કે ‘મધ્યસ્થી’ જેવા શબ્દોનો ઉલ્લેખ નથી.

ભારતનું વલણ સ્પષ્ટ
ભારત સરકારે શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી અને ટ્રમ્પની કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકાના આ નવા દસ્તાવેજો ભારત સરકારના તે દાવાને સમર્થન આપી રહ્યા છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે ટ્રમ્પ આગામી ચૂંટણી પ્રચારમાં પોતાની વિદેશ નીતિની સફળતા તરીકે આ ઘટનાને રજૂ કરી રહ્યા છે.