Gujarat24

અમેરિકાની નજર હવે વેનેઝુએલાના તેલ ભંડાર અને રહસ્યમય Bitcoin ખજાના પર; શું બજારમાં આવશે મોટું તોફાન?

Share On :

Venezuela’s Secret $60B Bitcoin Holdings: ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણ અને વેનેઝુએલામાં રાષ્ટ્રપતિની ધરપકડ બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિશ્વની નજર અત્યારે માત્ર વેનેઝુએલાના ૩૦૩ અબજ બેરલના તેલ ભંડાર પર જ નહીં, પરંતુ ત્યાં છુપાયેલા અબજો ડોલરના બિટકોઇન (Bitcoin) પર પણ મંડાયેલી છે. નિષ્ણાતોના મતે, જો આ ક્રિપ્ટો ખજાનો બહાર આવશે તો વૈશ્વિક બજારમાં મોટી હલચલ મચી શકે છે.

રૂ. ૫.૪૦ લાખ કરોડના બિટકોઇન હોવાનો અંદાજ
કેટલાક આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને ડિજિટલ પ્રકાશન ‘પ્રોજેક્ટ બ્રેઝન’ના અહેવાલો મુજબ, વેનેઝુએલાની માદુરો સરકાર પાસે અંદાજે ૬૦ અબજ ડોલર (આશરે રૂ. ૫.૪૦ લાખ કરોડ) ના બિટકોઇન હોઈ શકે છે. જોકે, હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ આંકડાએ ક્રિપ્ટો જગતમાં ચિંતા અને કુતૂહલ બંને જગાવ્યા છે.

પ્રતિબંધોથી બચવા ક્રિપ્ટોનો સહારો?
લેટિન અમેરિકન બિટકોઇન ફર્મ ‘ઓરાન્જેબીટીસી’ના સીઈઓ ગુઈ ગોમ્સ જણાવે છે કે “યુએસ પ્રતિબંધોને કારણે વેનેઝુએલા લાંબા સમયથી વૈશ્વિક બેંકિંગ સિસ્ટમથી કપાયેલું હતું. પોતાની અર્થવ્યવસ્થા ચલાવવા માટે સરકારે સોનું, ડોલર અને સંભવિત રીતે બિટકોઇન જેવી ડિજિટલ સંપત્તિનો આશરો લીધો હોય તેવી પૂરેપૂરી શક્યતા છે.”

ખજાનો શોધવો કેમ મુશ્કેલ છે?
બ્લોકચેન ટેકનોલોજી પારદર્શક હોવા છતાં માલિકની ઓળખ છુપાવે છે. નિષ્ણાતો માને છે કે જો વેનેઝુએલા પાસે આટલા મોટા પ્રમાણમાં બિટકોઇન હશે, તો તે કોઈ એક જગ્યાએ નહીં પરંતુ હજારો અલગ-અલગ ડિજિટલ વોલેટમાં વહેંચાયેલા હશે. તેનું નિયંત્રણ લશ્કરી અધિકારીઓ અથવા પ્રભાવશાળી રાજનેતાઓ પાસે હોઈ શકે છે. આવી સ્થિતિમાં તેને ટ્રેક કરવા કે જપ્ત કરવા અત્યંત મુશ્કેલ છે.

ક્રિપ્ટો સાથે વેનેઝુએલાનો જૂનો નાતો
વેનેઝુએલા માટે ક્રિપ્ટોકરન્સી નવી નથી. ૨૦૧૮માં સરકારે તેલ આધારિત ‘પેટ્રો’ ટોકન લોન્ચ કર્યું હતું, જે ૨૦૨૪માં નિષ્ફળ જતાં બંધ કરાયું. સરકારે અનેકવાર સ્થાનિક બિટકોઇન માઇનર્સ પર કડક કાર્યવાહી કરી તેમની મશીનરી જપ્ત કરી છે.

બજાર પર શું અસર થશે?
જો અમેરિકન એજન્સીઓ આ બિટકોઇન જપ્ત કરવામાં સફળ રહે છે, તો તે અમેરિકન ટ્રેઝરીમાં જઈ શકે છે. પરંતુ જો આટલો મોટો જથ્થો ઓપન માર્કેટમાં વેચવા માટે મૂકવામાં આવે, તો બિટકોઇનના ભાવમાં મોટો કડાકો આવી શકે છે અને વૈશ્વિક નાણાકીય બજારો અસ્થિર થઈ શકે છે.