Elon Musk’s X Under Fire: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ ‘ગ્રોક’ (Grok) દ્વારા વાંધાજનક અને અશ્લીલ કન્ટેન્ટ બનાવવાના મામલે ભારત સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આઈટી મંત્રાલયે ઈલોન મસ્કની કંપનીને આ મુદ્દે અત્યાર સુધી લેવાયેલા પગલાંની વિગતો સાથેનો ‘એક્શન ટેકન રિપોર્ટ’ જમા કરાવવા માટે આજે, બુધવાર 7 જાન્યુઆરી સુધીનો અંતિમ સમય આપ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
આઈટી મંત્રાલય દ્વારા 2 જાન્યુઆરીએ મોકલવામાં આવેલા પત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર અનેક યુઝર્સ ‘ગ્રોક AI’ નો દુરુપયોગ કરી નકલી એકાઉન્ટ બનાવી રહ્યા છે. મહિલાઓની તસવીરો અને વીડિયોને AI પ્રોમ્પ્ટ અને ઈમેજ મેનિપ્યુલેશન દ્વારા અશ્લીલ અને અપમાનજનક રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. માત્ર નકલી એકાઉન્ટ જ નહીં, પણ પોતાની મૂળ તસવીરો પોસ્ટ કરતી મહિલાઓને પણ સિન્થેટિક આઉટપુટ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે.
સુરક્ષામાં ગંભીર ચૂક અને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્લેટફોર્મ સ્તરે સુરક્ષા અને નિરીક્ષણમાં આ એક ગંભીર ચૂક છે. ‘X’ પર ગ્રોકની મદદથી ફેલાવવામાં આવતું પોર્નોગ્રાફિક અને બાળકો સંબંધિત વાંધાજનક કન્ટેન્ટ આઈટી એક્ટ (IT Act) નો સીધો ભંગ છે. આનાથી મહિલાઓ અને બાળકોની પ્રાઈવસી અને સુરક્ષા જોખમાય છે.
“જો એક્સ આ વાંધાજનક કન્ટેન્ટ તાત્કાલિક નહીં હટાવે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આઈટી એક્ટની કલમ 79 હેઠળ મળતી ‘સેફ હાર્બર’ (કાયદાકીય રક્ષણ) ની સુવિધા ત્યારે જ મળશે જો પ્લેટફોર્મ નિયમોનું કડકાઈથી પાલન કરશે.” — આઈટી મંત્રાલય
પ્લેટફોર્મ ‘X’ નો બચાવ
સરકારના આકરા વલણ બાદ ‘X’ એ તેના ઓફિશિયલ સેફ્ટી હેન્ડલ પરથી પ્રતિક્રિયા આપી છે. કંપનીએ જણાવ્યું છે કે તેઓ ગેરકાયદે કન્ટેન્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે. જે યુઝર્સ આવું કન્ટેન્ટ અપલોડ કરશે તેમના એકાઉન્ટ્સને સ્થાયીરૂપે સસ્પેન્ડ કરવામાં આવશે.



