કોવિડ પછી શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં યુનિક ડીમેટ એકાઉન્ટધારકોની સંખ્યા વધીને 1.05 કરોડ થઈ ગઈ છે. દેશમાં સૌથી વધુ ડીમેટ એકાઉન્ટ ધારકો ધરાવતા રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં વર્ષ 2020 દરમિયાન 46.61 લાખ ડીમેટ એકાઉન્ટ ધારકો હતા. આ પ્રમાણે કોવિડ બાદ ગુજરાતમાં ડીમેટ ધારકોની સંખ્યામાં બમણાથી વધુનો વધારો નોંધાયો છે. છેલ્લા બે વર્ષની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ડીમેટ ધારકો 40 ટકાથી વધુ વધી ગયા છે.
વર્ષ 2022માં ગુજરાતમાં 73.22 લાખ ડીમેટ એકાઉન્ટ ધારકો હતા. શેરબજારમાં લોકો આંધળું રોકાણ કરવાથી ચેતે તેના માટે ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023-24માં 4023 જેટલા વિવિધ પ્રોગ્રામ યોજાયા હતા અને તેમાં 3.14 લાખ લોકોએ ભાગ લીધો હતો. 2022-23માં આ પ્રકારના 1439 પ્રોગ્રામમાં ભાગ લેનારા 54768 હતા. સમગ્ર દેશમાં 2023-24માં શેરબજારમાં જાગૃતિ અંગે યોજાયેલા 43826 પ્રોગ્રામમાં 27.93 લાખ લોકોએ ભાગ લીધો હતો.
ગુજરાતમાં ડીમેટ એકાઉન્ટ હોલ્ડર્સ 1 કરોડને પાર, કોવિડ પછી શેરબજારમાં લોકોનો ઈન્ટરેસ્ટ વધ્યો
