ભારતમાં સૌથી મોટી સ્થાનિક નાસ્તા બ્રાન્ડ્સમાંની એક ‘બાલાજી વેફર્સ’ના સ્થાપક અને એમડી ચંદુભાઈ વિરાણીએ એક ઇન્ટરવ્યૂમાં તેમની કંપનીની અસાધારણ સફળતા અને નાસ્તાના પેકેટમાં હવા ભરવાના રહસ્ય વિશે ખુલાસો કર્યો છે. ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું કે તેમની પાસે ભલે MBAની ડિગ્રી નથી પરંતુ દ્રઢતા અને જુસ્સાથી કંપનીએ એક દાયકાથી પણ ઓછા સમયમાં 10 ગણો વિકાસ કર્યો છે.
બાલાજી વેફરની 4,000 કરોડથી 40,000 કરોડની સફર
ચંદુભાઈ વિરાણીએ પોતાની સફળતાનો મંત્ર શેર કરતાં જણાવ્યું કે, “સાતથી આઠ વર્ષ પહેલાં, અમારી કંપનીનું મૂલ્યાંકન લગભગ રૂપિયા 3,000-4,000 કરોડ હતું. હવે તે રૂપિયા 40,000 કરોડ છે.” જોકે, તેમણે વિનમ્રતાથી ઉમેર્યું કે “આપણું મૂલ્ય બજાર નક્કી કરે છે, આપણે નહીં.” વિરાણી પરિવારે હવે આગામી પેઢી માટે વ્યાવસાયિક સંચાલન લાવવાની તૈયારી કરી છે. તેમણે કહ્યું કે, “અમે એક નાનો હિસ્સો, લગભગ ૫ થી ૭ ટકા, અલગ કરવાનો નિર્ણય લીધો છે, જેથી પ્રોફેશનલ મેનેજમેન્ટ બાલાજીના વારસાને આગળ ધપાવી શકે.”
ચિપ્સના પેકેટમાં હવા ભરવાનું કારણ
ચિપ્સના પેકેટમાં “હવા ભરેલી” હોવા અંગેના સામાન્ય પ્રશ્નનો જવાબ આપતાં ચંદુભાઈએ સ્પષ્ટતા કરી કે, “તે સામાન્ય હવા નથી, પરંતુ નાઇટ્રોજન ગેસ છે.” તેમણે આ પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવતાં કહ્યું કે, આ નાઇટ્રોજન ચિપ્સને લાંબા સમય સુધી તાજી રાખે છે અને પરિવહન દરમિયાન તે તૂટી ન જાય તે પણ સુનિશ્ચિત કરે છે. બાલાજીની સફળતા વિશે તેમણે કહ્યું કે, તેમની ચિપ્સ ભારતીય સ્પર્શથી બનાવવામાં આવે છે, છતાં તે વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરી શકે છે, કારણ કે તેમના પોર્ટફોલિયોમાં ભારતીય અને પશ્ચિમી બંને સ્વાદનો સમાવેશ થાય છે.



