Prayagraj Maha Kumbh Mela 2025: મહાકુંભમાં અત્યાર સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં ડુબકી લગાવી ચૂક્યા છે. રવિવારે પ્રજાસત્તાક દિને 1.74 કરોડ શ્રદ્ધચ્છુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી. કાલે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા પુર્વે જ પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટી પડ્યો છે. મૌની અમાવસ્યા પર સંગમમાં અંદાજે 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરશે. મહત્ત્વનું છે કે, નાસાના અવકાશયાત્રી ડોન પેટિટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી લેવાયેલી મહાકુંભની તસવીર શૅર કરી છે, જેમાં તેજોમય સંગમનગરી નજરે પડી રહી છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ગૃહ પ્રધાન અમિત શાહે સહ પરિવાર મહાકુંભમાં પવિત્ર સ્નાન સાથે પૂજા-અર્ચના કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે સપરિવાર મહાકુંભમાં પહોંચ્યા હતા અને સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, જૂના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદગિરિ અને બાબા રામદેવે પણ સંગમમાં સ્નાન કર્યું હતું. સંતોએ શાહને મંત્રોચ્ચાર વચ્ચે આચમન કરાવ્યું હતું. સ્નાન બાદ શાહે સંગમ પર પરિવાર સાથે પૂજા કરી હતી અને ત્યાર બાદ તેઓ અક્ષયવટ પહોંચ્યા હતા. તેમણે અક્ષયવટ અને સરસ્વતી કૃપની સપરિવાર પૂજા કરી હતી. ત્યાંથી સ્વામી અવધેશાનંદના આશ્રમે જઇને ભોજન લીધું હતું.