Gujarat24

ઈન્દોરમાં દૂષિત પાણીનો કહેર: 8 દિવસમાં 15થી વધુનાં મોત, 3000થી વધુ બીમાર; તંત્રમાં દોડધામ

Share On :

Indore Contaminated Water Crisis: દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સતત આઠ વર્ષથી એવોર્ડ જીતનારા મધ્ય પ્રદેશના આર્થિક પાટનગર ઈન્દોરમાં ગંભીર જળ હોનારત સર્જાઈ છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી શૌચાલયના સંપર્કમાં આવેલું ‘ઝેરી’ પાણી પીવાના કારણે અત્યાર સુધીમાં 15થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 3000થી વધુ લોકો ઝાડા-ઉલ્ટીના રોગચાળાનો ભોગ બન્યા છે.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો: પીવાના પાણીમાં ભળ્યું શૌચાલયનું ગંદુ પાણી
મેડિકલ કોલેજના લેબ રિપોર્ટ અને વહીવટી તપાસમાં બહાર આવ્યું છે કે, ભગીરથપુરામાં એક પોલીસ ચોકી પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં લીકેજ હતું. આ લીકેજ બરાબર એક શૌચાલય નીચે હોવાથી ગંદુ પાણી પીવાની પાઈપલાઈનમાં ભળી ગયું હતું. આ દૂષિત પાણીના પુરવઠાએ આખા વિસ્તારમાં રોગચાળો ફેલાવ્યો છે.

તંત્ર દ્વારા લેવાયેલા પગલાં
પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્વાસ્થ્ય વિભાગની 21 ટીમો તૈનાત કરવામાં આવી છે. ડોક્ટરો અને આશા વર્કરો ઘરે-ઘરે જઈને લોકોને પાણી ઉકાળીને પીવાની અને બહારનું ભોજન ટાળવાની સલાહ આપી રહ્યા છે. વિસ્તારમાં પાણીના ટેન્કરો દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જોકે ગભરાયેલા લોકો પાણી પીતા પણ ડરી રહ્યા છે.

બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી
મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના અંગે સખત વલણ અપનાવ્યું છે. તેમણે ઈન્દોર નગર પાલિકાના કમિશનર અને અધિક કમિશનરને ‘કારણ બતાઓ’ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત, વોટર સપ્લાય વિભાગના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર પાસેથી તમામ સત્તાઓ પાછી ખેંચી લેવાના આદેશ આપ્યા છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે રાજ્ય સ્તરે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરવામાં આવશે.

હાઈકોર્ટમાં સરકારનો જવાબ
આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે 40 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારે આ ઘટનાને સામાન્ય તબીબી સમસ્યાને બદલે ‘પબ્લિક હેલ્થ કન્ટીજન્સી’ (જાહેર આરોગ્ય કટોકટી) તરીકે જાહેર કરી છે. વહીવટીતંત્રે દાવો કર્યો છે કે હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને અન્ય કોઈ જગ્યાએ લીકેજ નથી તેની તપાસ કરવામાં આવી રહી છે.