Gujarat24

વોડાફોન-આઈડિયા માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ₹87,695 કરોડનું દેવું ચૂકવવા 5 વર્ષની રાહત

Share On :

Vodaphone

Telecom news India 2026 : આર્થિક સંકટનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા (Vi) માટે નવા વર્ષના પ્રારંભે રાહતના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કંપનીના બાકી એજીઆર (AGR) દેવાની ચૂકવણી માટે વધારાના પાંચ વર્ષનો સમય આપવાની મંજૂરી આપવામાં આવી છે.

સરકારનો મહત્વનો નિર્ણય
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રીમંડળે વોડાફોન-આઈડિયાની ₹87,695 કરોડની બાકી AGR રકમને ફ્રીઝ કરવાની સંમતિ આપી છે. આ નિર્ણયથી દેવામાં ડૂબેલી કંપનીને રોકડની તંગીમાંથી મોટી રાહત મળશે. કંપનીએ આ બાકી રકમ નાણાકીય વર્ષ 2031-32 થી 2040-41 દરમિયાન ચૂકવવાની રહેશે. નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 થી સંબંધિત બાકી રકમ કંપનીએ કોઈપણ ફેરફાર વગર વર્ષ 2025-26 થી 2030-31 દરમિયાન ચૂકવવી પડશે.

કંપનીને કેમ જરૂર હતી આ રાહતની?
વોડાફોન-આઈડિયા લાંબા સમયથી સ્પર્ધા, ઘટતા ગ્રાહકો અને ભારે દેવાને કારણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. એક તરફ હરીફ કંપનીઓ 4G અને 5G નેટવર્કનું ઝડપથી વિસ્તરણ કરી રહી છે, ત્યારે Vi માટે રોકાણ કરવાની ક્ષમતા મર્યાદિત હતી.

જોકે ઘણાને આશા હતી કે સરકાર દેવું માફ કરશે, પરંતુ મંત્રીમંડળે દેવું માફ કરવાને બદલે તેને ‘ફ્રીઝ’ કરવાનો નિર્ણય લીધો છે. આનાથી કંપનીને રિકવરી માટે સમય મળશે અને કંપનીમાં 49% હિસ્સો ધરાવતી સરકારના હિતોનું પણ રક્ષણ થશે.