Bangladesh Violence: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ હવે અટકવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા ૨૪ કલાકમાં જ બે હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે, જ્યારે છેલ્લા ૧૮ દિવસનો આંકડો ૬ પર પહોંચી ગયો છે. નરસિંગદી શહેરમાં એક હિન્દુ વેપારીની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે.
દુકાન બંધ કરીને ઘરે જતી વખતે કરપીણ હત્યા
નરસિંગદી શહેરમાં કરિયાણાની દુકાન ચલાવતા ૪૦ વર્ષીય મોની ચક્રવર્તી રાત્રે ચરસિંઘુર બાઝાર વિસ્તારમાં પોતાની દુકાન વધારીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયાર વડે તેમની હત્યા કરી નાખી હતી. આ પહેલા સોમવારે ૨૮ વર્ષીય રાણા પ્રતાપ બૈરંગીની પણ આ જ રીતે હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ હજુ સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે.
‘આ તો મામૂલી ઘટના છે’: બાંગ્લાદેશી નેતાનું વિવાદાસ્પદ નિવેદન
એક તરફ હિન્દુઓ જીવ બચાવવા ફાંફા મારી રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતા મિર્ઝા ફખરુલ ઇસ્લામે અત્યંત બેજવાબદાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે:
“હિન્દુઓની હત્યા એ મામૂલી અને નાની ઘટનાઓ છે. મીડિયા આ વાતોને વધુ પડતી ફેલાવી રહ્યું છે. મોહમ્મદ યૂનુસની સરકારમાં મુસ્લિમો પણ સુરક્ષિત નથી, તો માત્ર હિન્દુઓની વાત કેમ કરવામાં આવે છે?” આ પ્રકારના નિવેદનોથી કટ્ટરવાદીઓને પ્રોત્સાહન મળી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ઇન્કલાબ મોર્ચાની ભારત વિરોધી માંગણી
બીજી તરફ, કટ્ટરવાદી નેતા શરીફ ઓસમાન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં ભારત વિરોધી સુર તેજ બન્યો છે. હાદીના સંગઠન ‘ઇન્કલાબ મોર્ચા’ એ ઢાકામાં વિશાળ રેલી યોજીને માંગ કરી છે કે બાંગ્લાદેશમાં કોઈપણ ભારતીયને વર્ક પરમિટ આપવામાં ન આવે. હાલમાં જે ભારતીયો પાસે વર્ક પરમિટ છે તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.
બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓમાં અત્યારે ભારે ડર અને અસુરક્ષાની લાગણી છે, કારણ કે હુમલાખોરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને સરકાર કે કાયદો તેમને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.



