Matrimonial site scams : લગ્ન વિષયક વેબસાઈટ્સ અને સોશિયલ મીડિયા પર લોકોનો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી એક મોટી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ ઓનલાઈન ફોરેક્સ અને ગોલ્ડ ટ્રેડિંગના બહાને દેશભરના સેંકડો લોકો સાથે રૂ. 200 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ ગેંગના સાત સાગરીતોની ધરપકડ કરી છે.
દેશના 12 રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી વિરુદ્ધ દેશભરમાં કુલ 51 કેસ નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્ર (18), દિલ્હી (7), કર્ણાટક (7), તેલંગણા (4), ઉત્તર પ્રદેશ (3), મધ્ય પ્રદેશ (3), હરિયાણા (3), પશ્ચિમ બંગાળ (2), અને ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, ગોવામાં 1-1 કેસ નોંધાયા છે.
પ્રેમની જાળમાં ફસાવીને આર્થિક લૂંટ
મીરા-ભાઈંદર, વસઈ-વિરારના પોલીસ કમિશનર નિકેત કૌશિકે જણાવ્યું હતું કે, આ ભેજાબાજો મેટ્રીમોનિયલ સાઈટ્સ દ્વારા લોકોનો સંપર્ક કરતા હતા. પ્રથમ મિત્રતા કે લગ્નની લાલચ આપી વિશ્વાસ જીતતા અને ત્યારબાદ ‘વધુ વળતર’ આપતી ફેક ગોલ્ડ કે ફોરેક્સ ટ્રેડિંગ સ્કીમમાં રોકાણ કરવા દબાણ કરતા હતા.
હાઈવેની લોજ પર દરોડા અને ધરપકડ
ગત 12 નવેમ્બરે પોલીસે મુંબઈ-અમદાવાદ હાઈવે પર આવેલી શિવસાઈ રેસિડેન્સી લોજ પર દરોડો પાડી સાત આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રોશનકુમાર શેટ્ટી, સાબિર મોહમ્મદ ખાન, સનદ સંજીવ દાસ, રાહુલ કુમાર (ઉર્ફે કૈલાશ), આમિર શેરખાન, અભિષેક નારકર (ઉર્ફે ગોપાલ), અને મોહમ્મદ રશિદ બલોચ (ઉર્ફે લક્કી)નો સમાવેશ થાય છે.
મુખ્ય સૂત્રધાર વિદેશમાં
પોલીસને આશંકા છે કે આ રેકેટનો અસલી માસ્ટરમાઈન્ડ વિદેશમાં બેસીને દોરી સંચાર કરી રહ્યો છે. આ રકમ મની લોન્ડરિંગ દ્વારા ભારતની બહાર મોકલવામાં આવતી હતી.
પોલીસની જાહેર જનતાને અપીલ
નાયગાવ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે મેટ્રીમોનિયલ સાઈટ પર મળતી રોકાણની સલાહથી દૂર રહેવું. કોઈપણ અજાણી ટ્રેડિંગ વેબસાઈટ પર પૈસા ટ્રાન્સફર કરતા પહેલા તેની અધિકૃતતા તપાસવી. સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર ટાળવો.



