Bharatiyam 2026 : અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા તાજેતરમાં બે દિવસીય વાર્ષિક સ્પોર્ટ્સ ફેસ્ટ ‘ભારતીયમ 2026’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા, રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને શિસ્તનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

આ સ્પોર્ટ્સ ફેસ્ટમાં સિનિયર ગ્રેડના 700થી વધુ વિદ્યાર્થીઓએ પૂરા જોશ સાથે ભાગ લીધો હતો. શાળાના વિશાળ મેદાન પર એથ્લેટિક્સ, ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ અને ખો-ખો જેવી મેદાની રમતોનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત, જિમ્નેસ્ટિક્સ, કરાટે, સ્કેટિંગ અને યોગા જેવા પ્રદર્શનોએ ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મેદાની રમતોની સાથે ઈન્ડોર રમતો જેવી કે બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ અને લૉન ટેનિસમાં પણ વિદ્યાર્થીઓએ પોતાની કુશળતા સાબિત કરી હતી.

આ પ્રસંગે અંદાજે 3,000થી વધુ વાલીઓ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા, જેમની ઉપસ્થિતિએ રમતવીરોનો ઉત્સાહ બમણો કર્યો હતો. સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને સર્ટિફિકેટ્સ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, ‘ભારતીયમ 2026’ માત્ર એક રમતગમતનો ઉત્સવ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં ફિઝિકલ ફિટનેસ, ટીમવર્ક અને દ્રઢતા જેવા જીવનલક્ષી ગુણો કેળવવાનું એક મહત્વનું મંચ છે. રમતગમત દ્વારા બાળકોના માનસિક અને શારીરિક વિકાસને વેગ આપવો એ જ આ ભવ્ય આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે.



