Vadtal Swaminarayan Mandir: સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે શ્રીલક્ષ્મીનારાયણદેવ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ 5 ઓગસ્ટ 2024ને સોમવારથી તારીખ 3 સપ્ટેમ્બર 2024 સુધી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાશે . વડતાલધામમાં બિરાજતા શ્રીહરિકૃષ્ણ મહારાજને ભૂદેવોના મુખેથી ઉચ્ચારાતા જનમંગલ સ્ત્રોતથી માસ પર્યત સવા લાખ તુલસી પત્રોથી શ્રીહરિકૃષ્ણ મહારાજનું પૂજન થશે અને તેઓના ચરણોમાં દ્વિદલ તુલસીપત્ર અર્પણ થશે.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરમાં છેલ્લા 5 વર્ષથી શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાય છે અને 11 ભુદેવો દ્વારા શ્રીહરિકૃષ્ણ મહારાજને માસ પર્યંત રોજના સવા લાખ તુલસીપત્રો જનમંગલ સ્ત્રોત્રના ગાન સાથે મહારાજના ચરણોમાં અર્પણ કરાશે. મંદિરમાં આખો દિવસ જનમંગલ સ્તોત્રના પાઠથી વાતાવરણ ભક્તિ સભર બની રહે છે. તુલસીપત્રો વડોદરાથી લાવવામાં આવે છે.
શ્રીહરિકૃષ્ણ મહારાજને અર્પણ કરનાર તુલસીપત્રો વડોદરાથી મંગાવવામાં આવે છે જેની મંદિરના સ્ત્રી- પુરુષ ભક્તો દ્વારા ચૂંટવામાં આવે છે. આ તુલસીપત્રો ચૂટ્યા બાદ એ.સી રૂમમાં મૂકવામાં આવે છે જેથી તે તરોતાજી રહે છે. તુલસીપત્રો ચૂંટવાની સેવામાં ચરોતરના ગામોના હરિભક્તો સેવામાં જોડાય છે.મંદિરમાં શ્રાવણ માસમાં શિવ પૂજન કરવામાં આવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિવ ભક્તિનો મોટો મહિમા રહ્યો છે. ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે, શ્રાવણ માસમાં બિલપત્રાદિકથી પ્રીતીપૂર્વક મહાદેવજીનું પૂજન અર્ચન કરવું અથવા પવિત્ર ભૂદેવ પાસે કરાવવું. ભક્તિ પર્વનું સમગ્ર આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા સંચાલન શ્યામ સ્વામી કરી રહ્યા છે.