Gujarat24

જૂનાગઢ મહાશિવરાત્રી મેળો: શ્રદ્ધાળુઓ માટે એસ.ટી. નિગમનું મેગા પ્લાનિંગ, 195 એક્સ્ટ્રા બસો દ્વારા 7800 ટ્રીપોનું સંચાલન

Share On :

Junagadh Mahashivratri Fair : બુધવારથી જૂનાગઢના ભવનાથ તળેટીમાં આસ્થાના મહાકુંભ સમાન ‘મહાશિવરાત્રી મેળો’ પ્રારંભ થઈ રહ્યો છે. આ મિનિ કુંભ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની પરિવહન સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST) દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે નિગમ દ્વારા કુલ 195 વધારાની બસો દોડાવીને 3.70 લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

મુસાફરોની સંખ્યામાં વધારાને જોતા ક્ષમતા વધારાઈ
ગત વર્ષે મહાશિવરાત્રી મેળા દરમિયાન અંદાજે 2.91 લાખ મુસાફરોએ એસ.ટી. સેવાનો લાભ લીધો હતો. આ વર્ષે મેળાની ભવ્યતા અને શ્રદ્ધાળુઓના સંભવિત ધસારાને ધ્યાને રાખી નિગમ દ્વારા ક્ષમતામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. 195 એક્સ્ટ્રા બસો દ્વારા સમગ્ર મેળા દરમિયાન 7800થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે.

તળેટી સુધી જવા માટે લોકલ અને આંતર-જિલ્લા બસોની સુવિધા
મહાશિવરાત્રી મેળામાં ઉમટી પડનારા લાખો શ્રદ્ધાળુઓને પરિવહન બાબતે કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા વ્યવસ્થાને બે મુખ્ય ભાગમાં વહેંચી દેવામાં આવી છે. પ્રથમ તબક્કે, સ્થાનિક કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે જૂનાગઢ મુખ્ય બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી મુસાફરોને લાવવા-લઈ જવા માટે દૈનિક 80 વધારાની બસો સતત ફેરા મારશે, જેથી તળેટી સુધીનો પ્રવાસ સરળ રહે.

બીજા તબક્કે, આંતર-જિલ્લા કનેક્ટિવિટી માટે રાજ્યના અન્ય ભાગોમાંથી આવતા ભક્તો માટે કુલ 115 એક્સપ્રેસ બસો ફાળવવામાં આવી છે. આ વિશેષ સુવિધા અંતર્ગત જૂનાગઢ ડિવિઝનની 65 બસો અને અન્ય જિલ્લાઓના ડિવિઝનની 50 બસો મળીને કુલ 115 બસો દોડાવવામાં આવશે, જે દૂર-દૂરથી આવતા શિવભક્તોને સીધી પરિવહન સેવા પૂરી પાડશે.

GPS દ્વારા 24 કલાક મોનિટરિંગ
મુસાફરોની સુરક્ષા અને સમયપાલન જળવાઈ રહે તે માટે નિગમ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મેળામાં દોડનારી તમામ એક્સ્ટ્રા બસોનું 24*7 જીપીએસ (GPS) દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે, જેથી બસોના લોકેશન અને ફેરા પર સીધી નજર રાખી શકાય. આ ભવ્ય આયોજનને કારણે રાજ્યભરમાંથી આવતા શિવભક્તો કોઈપણ અડચણ વગર મહાદેવના દર્શન કરી શકશે અને મેળાના સાક્ષી બની શકશે.