Gujarat Temperature Dipping: ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યમાં સતત બીજા દિવસે શીતલહેરનો પ્રકોપ યથાવત્ રહ્યો છે, જેના કારણે 11 મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે સરકી ગયો છે. ઠંડા પવનોને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
નલિયામાં કાતિલ ઠંડી: પારો 7.5 ડિગ્રીએ પહોંચ્યો
કચ્છનું નલિયા 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું. નલિયા ઉપરાંત ડીસા, દાહોદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, પાંચ દિવસ બાદ તાપમાનમાં તબક્કાવાર વધારો થતા ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે.
અમદાવાદની સ્થિતિ
અમદાવાદમાં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.1 ડિગ્રી વધુ છે. આગામી ત્રણ દિવસ સુધી શહેરમાં પારો 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.



