Faster Help for Citizens: રાજ્યના નાગરિકોને કટોકટીના સમયે ત્વરિત સહાય મળી રહે તે માટે કાર્યરત અત્યાધુનિક ‘112’ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત રાજ્યના પોલીસ વડા (DGP) ડો. કે.એલ.એન. રાવે લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવાનો અને તેને દેશમાં એક આદર્શ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો હતો.
સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ: એક જ નંબર પર તમામ સેવા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘112’ સેવા આજે પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચાઈલ્ડ અને મહિલા હેલ્પલાઈન માટે એકમાત્ર ‘સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ’ તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. મુલાકાત દરમિયાન DGPએ કોલ એટેન્ડ કરવાની પદ્ધતિ, જીપીએસ (GPS) દ્વારા નજીકની ગાડીને સ્થળ પર રવાના કરવાની પ્રક્રિયા અને ડેટા એનાલિટિક્સના ઉપયોગની ઝીણવટભરી વિગતો મેળવી હતી.
4 મહિનામાં 3.82 લાખ કેસ: રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા પર ભાર
આંકડાકીય માહિતી મુજબ, છેલ્લા 4 મહિનામાં રાજ્યભરમાં કુલ 3,82,728 ઇમરજન્સી કેસ એટેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં દરરોજ સરેરાશ 12,000 થી વધુ કોલ આવે છે. જાન્યુઆરી 2026માં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 11 મિનિટ 56 સેકન્ડ રહ્યો છે. ડો. રાવે આ સમય ઘટાડીને 10 મિનિટથી પણ ઓછો કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્ડમાં હાજર પોલીસ અને કંટ્રોલ રૂમ વચ્ચેનો સચોટ તાલમેલ જ આ સેવાની સફળતાનો પાયો છે.
ટેકનોલોજી અને પ્રોટોકોલનું અમલીકરણ
પોલીસ વડાએ ફિલ્ડ ટીમોને ‘MDT’ (Mobile Data Terminal) એપ્લિકેશનનો વધુ અસરકારક ઉપયોગ કરવા અને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ કામ કરવા તાકીદ કરી હતી. આ સેવાની ગુણવત્તા જાળવી રાખવા માટે ટેકનોલોજી અને હ્યુમન રિસોર્સની દર મહિને સમીક્ષા કરવામાં આવશે.
આ ઉચ્ચ સ્તરીય મુલાકાતમાં એડીશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન, ખુરશીદ અહેમદ, આઈજીપી દીપક મેઘાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોનો ભરોસો વધારવા અને કટોકટીના સમયે 10 મિનિટની અંદર મદદ પહોંચાડવાના લક્ષ્યાંક સાથે ગુજરાતની ‘112’ સેવા હવે નવા ક્લેવરમાં જોવા મળશે.



