Gujarat24

મેડિકલ સીટો ખાલી ન રાખી શકાય: ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ, MBBSની ખાલી બેઠકો માટે નવો રાઉન્ડ યોજાશે

Share On :

Qualified Doctors Needed: દેશમાં ક્વોલિફાઇડ ડોક્ટરોની અછતને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ MBBS કોર્સમાં ખાલી પડેલી ત્રણ બેઠકો ભરવા માટે આગામી ૧૦ દિવસમાં પ્રવેશનો વધુ એક રાઉન્ડ યોજવા સરકાર અને એડમિશન કમિટીને હુકમ કર્યો છે.

“ડોક્ટરોની અછત વચ્ચે સીટો ખાલી રાખવી અયોગ્ય”
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યારે દેશમાં લાયક ડોક્ટરોની મોટી અછત પ્રવર્તી રહી છે, ત્યારે મેડિકલની એક પણ સીટ ખાલી રાખવી પરવડે તેમ નથી. કોર્ટે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

શા માટે અરજી કરવી પડી?
ગુજરાત મેડિકલ કોલેજ એસોસીએશન દ્વારા કરવામાં આવેલી રિટ અરજીમાં નીચે મુજબની રજૂઆતો કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫ની પ્રવેશ પ્રક્રિયા બાદ MBBSના પ્રથમ વર્ષમાં કુલ ૫૭ બેઠકો ખાલી હતી. કોર્ટના અગાઉના નિર્દેશ મુજબ ૪થો અને ૫મો રાઉન્ડ યોજાયા બાદ આ તમામ બેઠકો ભરાઈ ગઈ હતી. પરંતુ, પ્રવેશ મેળવ્યા બાદ ત્રણ વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન પાછું ખેંચી લેતા ફરીથી ૩ બેઠકો ખાલી પડી હતી. એસોસીએશનની માંગ હતી કે આ ત્રણ બેઠકો પર મેરિટના આધારે તેજસ્વી વિદ્યાર્થીઓને તક મળવી જોઈએ જેથી તેમની કારકિર્દી બગડે નહીં.

હાઈકોર્ટનું અવલોકન અને હુકમ
જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ નોંધ્યું હતું કે અગાઉના રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ ૩ લાખ રૂપિયાની ડિપોઝીટ જમા કરાવી હોવા છતાં એડમિશન કેન્સલ કરાવ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લેતા કોર્ટે આદેશ આપ્યો કે આગામી ૧૦ દિવસની અંદર આ ૩ બેઠકો ભરવા માટે નવો રાઉન્ડ યોજવો. સત્તાવાળાઓ ડિપોઝીટની રકમ જપ્ત કરવા સાથે અન્ય કોઈ યોગ્ય શરત રાખીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ નિર્ણયથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા વધુ ત્રણ વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સપના સાકાર થશે.