Gujarat24

ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ પર ACBની તરાપ: વર્ષ 2025માં 213 ગુના નોંધી 310 સામે કાર્યવાહી

Share On :

Anti-Corruption Bureau 2025 : ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા વર્ષ 2025ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એસીબીએ ગત વર્ષની સરખામણીએ 15 ટકા વધુ કામગીરી કરી છે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ 213 ગુના નોંધીને 310 વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિભાગવાર કામગીરીની વિગતો
એસીબીના સત્તાવાર રિપોર્ટ મુજબ, વર્ષ 2025માં નોંધાયેલા કુલ 213 ગુનાઓમાં નીચે મુજબની વિગતો સામે આવી છે:

ટ્રેપ કેસ: 174
ડીકોય ટ્રેપ: 19
અપ્રમાણસર મિલકત (DA): 16
સત્તાનો દુરુપયોગ: 04

કયા વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર?
સરકારી તંત્રમાં સૌથી વધુ લાંચના કેસો ત્રણ મુખ્ય વિભાગોમાં જોવા મળ્યા છે:

ગૃહ વિભાગ: 62 ગુના
મહેસૂલ વિભાગ: 32 ગુના
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ: 26 ગુના

ઉચ્ચ અધિકારીઓથી લઈ ખાનગી વ્યક્તિઓ સકંજામાં
એસીબીએ માત્ર નાના કર્મચારીઓ જ નહીં, પરંતુ ક્લાસ-1 અધિકારીઓ વિરુદ્ધ પણ લાલ આંખ કરી છે. ઝડપાયેલા 310 આરોપીઓમાં:

વર્ગ-1: 13 અધિકારીઓ
વર્ગ-2: 35 અધિકારીઓ
વર્ગ-3: 134 કર્મચારીઓ
વર્ગ-4: 05 કર્મચારીઓ
ખાનગી વ્યક્તિઓ: 123 (જેઓ અધિકારીઓ વતી લાંચ લેતા હતા)

ભ્રષ્ટાચારી અધિકારીઓ હવે પોતાની ઓળખ છુપાવવા માટે ખાનગી વ્યક્તિઓ (વચેટિયા)નો ઉપયોગ કરતા થયા છે, જેના ભાગરૂપે એસીબીએ આ વર્ષે રેકોર્ડબ્રેક 123 ખાનગી વ્યક્તિઓની ધરપકડ કરી છે.

₹16.59 કરોડની અપ્રમાણસર મિલકત જપ્ત
વર્ષ દરમિયાન અપ્રમાણસર મિલકતના કુલ 16 ગુના નોંધાયા હતા. તપાસ દરમિયાન ભ્રષ્ટ અધિકારીઓ પાસેથી કુલ 16.59 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો શોધી કાઢીને તેને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

એસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જનતામાં વધતી જાગૃતિ અને ટેકનોલોજીના ઉપયોગને કારણે ભ્રષ્ટાચારીઓને પકડવામાં સફળતા મળી રહી છે. ગત વર્ષ (2024) કરતા આ વર્ષની કામગીરીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.