Gujarat24

Gandhinagar: સાસણ ગીર સહિત દેશની 6 જંગલ સફારીના બુકિંગ કૌભાંડનો પર્દાફાશ, સાયબર સેલ દ્વારા દિલ્હીથી બે આરોપી ઝડપાયા

Share On :

Gandhinagar News: ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ (CCoE), ગાંધીનગર, દ્વારા એક મોટા આંતરરાજ્ય સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ દેશભરની લોકપ્રિય જંગલ સફારી, જેમાં ગીર જંગલ (ગુજરાત) સહિત રણથંભોર (રાજસ્થાન), તાડોબા (મહારાષ્ટ્ર), જિમ કોર્બેટ (ઉત્તરાખંડ), કાઝીરંગા (આસામ) અને બાંધવગઢ (મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે, તેના એડવાન્સ સ્લોટ બુકિંગમાં કૌભાંડ આચરતી હતી. સાયબર સેલે ટેકનિકલ એનાલિસિસ કરીને આ ગેંગના બે મુખ્ય આરોપીઓને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યા છે.

નકલી વેબસાઇટથી અછત ઊભી કરી છેતરપિંડી

આ ગેંગની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે. આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે ખોટી ઓળખ આપીને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના માધ્યમથી સરકારની સત્તાવાર વેબસાઇટ પર બલ્કમાં એડવાન્સ સ્લોટ બુકિંગ કરી લેતા હતા. આનાથી જંગલ સફારીની પરમિટની કૃત્રિમ અછત ઊભી થતી હતી. ત્યારબાદ તેઓ સરકારની ઓફિશિયલ વેબસાઇટથી ભળતા નામવાળી પોતાની ખાનગી વેબસાઇટ બનાવીને પર્યટકોને કન્ફર્મ ટિકિટ બુકિંગ આપવાનું જણાવીને, સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ કરતાં અનેકગણી વધારે કિંમત વસૂલીને ટિકિટોનું અનઅધિકૃત રીતે વેચાણ કરતા હતા.

Surendranagar: ધામા ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની 150 વર્ષ જૂની પરંપરા, ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે

દિલ્હીથી બે આરોપીઓની ધરપકડ

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાયબર સેલ દ્વારા ખાસ ટીમ બનાવીને ટેકનિકલ એનાલિસિસના આધારે દિલ્હી ખાતેથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં અજયકુમાર ઘનશ્યામભાઈ ચૌધરી (રહે. બાદલી, દિલ્હી, મૂળ રહે. બેગુસરાય, બિહાર) અને અરવિંદ શ્રીકાંત ઉપાધ્યાય (રહે. શકરપુર, દિલ્હી, મૂળ રહે. ગાઝિયાબાદ, બિહાર) નો સમાવેશ થાય છે. પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પર્યટકો માટે સાવચેતી અને સૂચના

સાયબર સેલે તમામ પર્યટકોને આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. પ્રવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે સફારી પરમિટનું બુકિંગ હંમેશા સરકારની સત્તાવાર વેબસાઇટ પરથી જ કરવું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામ પર આવતી ભળતા નામવાળી ટૂરિઝમ બુકિંગ વેબસાઇટની જાહેરાતોની લિંક પર ક્લિક કરવાનું ટાળવું અને સરકારી વેબસાઇટ પર દર્શાવેલ સૂચનાઓનું ધ્યાનથી પાલન કરવું.