Gujarat24

‘ડિજિટલ અરેસ્ટ’નો ખૌફ: અમદાવાદમાં અત્યાર સુધીનું સૌથી મોટું સાયબર ફ્રોડ, જાણો કેવી રીતે ઠગોએ રચી હતી માયાજાળ

Share On :

Biggest Cyber Scam: અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં ભેજાબાજોએ એક 82 વર્ષીય વૃદ્ધને ત્રણ અઠવાડિયા સુધી વર્ચ્યુઅલ દેખરેખ હેઠળ એટલે કે ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખીને અંદાજે ₹7.12 કરોડ પડાવી લીધા છે. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા 12 આરોપીઓની ધરપકડ કરી છે.

ષડયંત્રની શરૂઆત: TRAI અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકી
આ સમગ્ર છેતરપિંડીની શરૂઆત 4 ડિસેમ્બરે થઈ હતી. વૃદ્ધને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં ઠગે પોતે TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) નો અધિકારી હોવાની ઓળખ આપી હતી. તેણે વૃદ્ધને ડરાવ્યા કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઓને અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યા છે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારબાદ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારીઓએ વીડિયો કોલ કરીને વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં ફસાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વૃદ્ધના નામે ખોલવામાં આવેલા ખાતામાંથી ₹2 કરોડના ગેરકાયદે વ્યવહારો થયા છે.

નકલી ‘સુપ્રીમ કોર્ટ’ અને 24 કલાક ડિજિટલ નજરકેદ
ભોગ બનનાર વૃદ્ધને પૂરેપૂરા વિશ્વાસમાં લેવા માટે ઠગોએ હદ વટાવી દીધી હતી. વૃદ્ધને વોટ્સએપ પર એક નકલી ઓનલાઈન કોર્ટની સુનાવણીમાં હાજર રખાયા, જેમાં એક ઠગ સુપ્રીમ કોર્ટના જજ બનીને બેઠો હતો. તેમને 24 કલાક વોટ્સએપ વીડિયો કોલ ચાલુ રાખવા અને કેમેરા સામે જ રહેવા મજબૂર કરી ઘરમાં જ કેદ કરી દેવાયા હતા. ઠગોએ CBI, RBI, ED અને ઇન્ટરપોલના લોગોવાળા નકલી પત્રો અને ધરપકડ વોરંટ મોકલીને જેલ અને સામાજિક બદનામીનો ભારે ડર બતાવ્યો હતો.

₹7.12 કરોડનું ટ્રાન્ઝેક્શન અને ક્રિપ્ટો કનેક્શન
16 થી 26 ડિસેમ્બર દરમિયાન, ‘તપાસ અને વેરિફિકેશન’ના નામે વૃદ્ધ પાસેથી તેમના બેંક ખાતા અને પ્રોપર્ટીની વિગતો મેળવી લેવાઈ હતી. “તપાસ પૂરી થયા પછી પૈસા પરત મળી જશે” તેવા વિશ્વાસમાં આવીને વૃદ્ધે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹7.12 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા.

કંબોડિયા અને ચીન સાથે આંતરરાષ્ટ્રીય લિંક
જ્યારે પૈસા પરત ન મળ્યા ત્યારે વૃદ્ધે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઈમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કૌભાંડ કંબોડિયાથી કાર્યરત ચીની સાયબર ક્રાઈમ ગેંગ દ્વારા ચલાવવામાં આવતું હતું. ધરપકડ કરાયેલા 12 આરોપીઓ અમદાવાદ અને સુરતના છે, જેઓ કમિશન માટે પોતાના બેંક ખાતા ઠગોને આપતા હતા.
છેતરપિંડીના પૈસા ટેલિગ્રામ ચેનલો મારફતે USDT (ક્રિપ્ટોકરન્સી) માં ફેરવીને વિદેશ મોકલી દેવાતા હતા. તપાસમાં 238 જેટલા નકલી (મ્યુલ) બેંક ખાતાઓ પણ મળી આવ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમે આ કેસમાં છેતરપિંડી, ઓળખની ચોરી અને ગુનાહિત કાવતરા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી છે અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.