Arasuri Ambaji Mata Devasthan Trust: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ઉત્સવમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગબ્બર પર્વત પર આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન થયું હતું. અંદાજે રૂ. 61.57 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા આ પરિક્રમા માર્ગમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં આવેલી તમામ 51 શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ પીઠના દર્શનનો લાભ લઈ શકે.
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારનારા લાખો માઈભક્તોની સુવિધા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઉમટી પડનારા યાત્રાળુઓ માટે તંત્ર દ્વારા ભોજનની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અંબિકા ભોજનાલય સહિત GMDC ગ્રાઉન્ડ, માંગલ્યવન, RTO સર્કલ અને આર્ટસ કોલેજ જેવા વ્યૂહાત્મક સ્થળોએ વિનામૂલ્યે ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મહોત્સવના આનંદમાં ઉમેરો કરવા માટે સમગ્ર પરિક્રમા પથ અને મંદિર પરિસરને અત્યાધુનિક લાઈટિંગ અને મનમોહક ઇલ્યુમિનેશનથી ઝગમગતું કરવામાં આવ્યું છે, જે રાત્રિના સમયે દિવ્ય વાતાવરણ સર્જશે. આ સાથે જ, આ મહોત્સવમાં આધ્યાત્મિકતાની સાથે ગુજરાતની સમૃદ્ધ વિરાસતના પણ દર્શન થશે. મેળા દરમિયાન પરંપરાગત લોક વાદ્યોના સૂર અને આદિવાસી સંસ્કૃતિની ઝલક રજૂ કરતા લોકનૃત્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રિ-દિવસીય કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી છે, જે મુજબ ત્રણેય દિવસ ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળશે. મહોત્સવના પ્રથમ દિવસે, 30 જાન્યુઆરીના રોજ ભવ્ય પાલખી યાત્રા, ધજા યાત્રા અને પૂજ્ય સાધુ-સંતોના આશીર્વચન સાથે આ મહોત્સવનો મંગલ પ્રારંભ થશે. આ દિવસે રાત્રિના સમયે ભજન સત્સંગ અને આનંદ ગરબાના આયોજનથી સમગ્ર વાતાવરણ માતાજીની ભક્તિમાં તરબોળ બનશે.
મહોત્સવના બીજા દિવસે, 31 જાન્યુઆરીના રોજ ત્રિશુલ અને પાદુકા યાત્રા કાઢવામાં આવશે. આ દિવસનું મુખ્ય આકર્ષણ શક્તિપીઠ સંકુલોમાં યોજાનારા ‘શક્તિ યાગ’ (યજ્ઞ) હશે, જેમાં આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરાશે. આ ઉપરાંત, યુવાનો અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ ‘દર્શન પરિક્રમા સ્પર્ધા’નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવના અંતિમ દિવસે એટલે કે 01 ફેબ્રુઆરીના રોજ જ્યોત યાત્રા અને ચામર યાત્રાના આયોજન બાદ મશાલ યાત્રા સાથે આ ભવ્ય મહોત્સવનું ભક્તિમય સમાપન થશે. આમ, ત્રણ દિવસ સુધી અંબાજીનું આંગણું વિવિધ યાત્રાઓ, યજ્ઞો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગુંજી ઉઠશે.



