Ahmedabad Crime Branch: ભુજથી કોઈને જાણ કર્યા વિના પશ્ચિમ બંગાળ જવા નીકળી પડેલા બે સગીર યુવકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી સુરક્ષિત રીતે શોધી કાઢી બચાવી લીધા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે આ અનિચ્છનીય ઘટના ટળી હતી.
શું છે ઘટના?
ભુજ પોલીસ મથક દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી કે, ભુજના બે સગીર યુવકો તેમના ઘરેથી ગુમ થયા છે અને તેમના પરિવારજનો તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ બંને યુવકો અમદાવાદમાં છે અને કોલકાતા જતી ફ્લાઈટ પકડવા માટે એરપોર્ટ તરફ જઈ રહ્યા છે. તેમણે પોતાનો સામાન પણ ચેક-ઈન કરાવી દીધો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી
માહિતી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેઓ ઝડપથી એરપોર્ટ પહોંચ્યા અને કોલકાતા જતી ફ્લાઈટની બોર્ડિંગ પ્રક્રિયાને રોકાવી હતી. ત્યારબાદ, બંને સગીરોનો ચેક-ઈન કરાયેલો સામાન પણ પરત મંગાવવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને સગીર યુવકોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા અને તેમને અટકાવ્યા હતા.
ભુજ પોલીસને સુપરત
આ કાર્યવાહી બાદ, બંને સગીર યુવકોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુજ પોલીસ મથકને સુપરત કરવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આ સમયસર અને સરાહનીય કામગીરીના કારણે બંને સગીરોને સલામત રીતે બચાવી શકાયા અને તેમના પરિવારજનોની ચિંતાનો અંત આવ્યો.