Ahmedabad News: ચાંગોદર પોલીસે આખરે પાંચ મહિના જૂના હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ગત 16 માર્ચના રોજ રેલવે ટ્રેક નજીક એક નાળામાંથી સંપૂર્ણપણે વિકૃત હાલતમાં માનવ કંકાલ મળી આવ્યો હતો. મૃતદેહના ગળા પરથી ઝિપટાઈ મળી આવતા પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. બે દિવસ બાદ એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ગુમ થયેલા વ્યક્તિનો સિમ કાર્ડ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહ્યો હોવાનું જાણવા મળતાં પોલીસે આ દિશામાં તપાસને વેગ આપ્યો અને તેના આધારે આરોપીઓ સુધી પહોંચી, જેઓએ ગુનાની કબૂલાત કરી હતી.
પૈસાની લાલચમાં મિત્રની હત્યા
અમદાવાદ રુરલના એસપીએ જણાવ્યું કે, મૃતક મોહીબુલ ઈસ્લામ (આસામ) અમદાવાદની મેક્સ ગ્રાફિક્સ કંપનીમાં કામ કરતો હતો. તેને મિત્રોમાં પોતાની પાસે ઘણા પૈસા અને વતનમાં મોટી જમીન હોવાની વાતો કરવાની ટેવ હતી. આ વાતનો લાભ લઈને તેના સહકર્મીઓ સંતલાલ ગૌતમ (ઉત્તર પ્રદેશ) અને રોહિતસિંહ ગોળ (મધ્ય પ્રદેશ)એ તેના બેંક ખાતામાં રહેલા 2 લાખ રૂપિયા પડાવી લેવાનું કાવતરું ઘડ્યું. 6 માર્ચના રોજ, આરોપીઓએ મોહીબુલને રેલવે ટ્રેક પર ફરવા જવાના બહાને બોલાવીને તેનો મોબાઈલ પાસવર્ડ અને એટીએમનો પિન નંબર પૂછ્યો. ત્યારબાદ, જૂતાની દોરીથી ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી.
હત્યા બાદ લાશ છુપાવવાનો પ્રયાસ
હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને માલગાડી નીચે નાખવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તે અકસ્માત જેવો લાગે. આ પ્રયાસ નિષ્ફળ જતા તેઓએ મૃતદેહને એક નાળામાં સંતાડી દીધો. અમદાવાદ રુરલ SPએ વધુમાં જણાવ્યું કે, આવા કેસોમાં પોલીસ ગુમ થયેલા લોકોના ડેટા અને ડીએનએ સેમ્પલિંગની સમાંતર તપાસ કરે છે. આ કેસમાં, ગુમ થયેલા મોહીબુલનું સિમ કાર્ડ આરોપીઓએ હત્યાના ત્રણ-ચાર મહિના પછી અન્ય ફોનમાં નાખીને ચાલુ કર્યું હતું. આ મહત્વની કડીના આધારે પોલીસે તેમને ટ્રેસ કરવાનું શરૂ કર્યું અને ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશ સુધી તપાસ લંબાવી હતી.
મુખ્ય આરોપી ભરૂચથી ઝડપાયા
ગુપ્ત માહિતી અને ટેકનિકલ ટ્રેકિંગના આધારે, પોલીસની ટીમોને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ મોકલવામાં આવી હતી. અંતે, મુખ્ય કાવતરાખોરો સંતલાલ ગૌતમ અને રોહિતસિંહ ગોળને ભરૂચથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ દોઢ વર્ષથી મોહીબુલ સાથે કામ કરતા હતા. આરોપીઓએ હત્યા બાદ મોહીબુલનો મોબાઈલ ફોન અમદાવાદમાં વેચી દીધો હતો અને ત્યાંથી બીજો મોબાઈલ ખરીદીને ફરાર થઈ ગયા હતા. પોલીસની સતર્કતા અને ટેકનિકલ તપાસના કારણે આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી શકાયો છે.