Ahmedabad News: અમદાવાદમાં રૂપિયા 1 કરોડ 68 લાખની જંગી ઉઘરાણીના વિવાદમાં એક વેપારી ભેદી સંજોગોમાં ગુમ થયા છે. ગુમ થનારા વેપારીનું નામ ઓમપ્રકાશ મોહનલાલ શર્મા છે, જેઓ ગત 29 ઓગસ્ટની રાતથી લાપતા છે. તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ ઓફિસમાંથી નિયમિત શેડ્યુલ મુજબ જ નીકળ્યા હતા, પરંતુ ઘરે પહોંચ્યા નહોતા. આ ઘટનાને બે મહિના વીતી ગયા હોવા છતાં તેમની કોઈ ભાળ મળી રહી નથી. ગુમ થતા પહેલા વેપારીએ પોતાના બિઝનેસ પાર્ટનર્સ પર છેતરપિંડીના ગંભીર આરોપો લગાવ્યા હતા.
સમાચારથી અપડેટ રહેવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.
પાર્ટનર્સ પર છેતરપિંડીનો આરોપ
ઓમપ્રકાશ શર્માએ ગુમ થતા પહેલા કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે જીતુ શર્માની સાથે ગોવા પાન મસાલાનો કામકાજ કર્યો હતો અને જીતુ શર્મા થકી તેમની વાતચીત સચિન જોશી સાથે થઈ હતી. ઓમપ્રકાશ શર્માએ પૂરા ગુજરાતનો ગોવા પાન મસાલાનો કામકાજ સંભાળ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે જીતુ શર્માએ પ્રી પ્લાનિંગ કરીને તેમને બરબાદ કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ લોકોએ તેમને માનસિક અને આર્થિક રૂપથી ખૂબ થકવી દીધા છે.
ઓફિસમાં છોડી લેખિત સુસાઇડ નોટ
ઓમપ્રકાશ શર્માએ પોતાના ગુમ થવા પાછળનું સૌથી મોટું કારણ જીતુ શર્મા અને સચિન જોશીને ગણાવ્યા હતા અને તેઓ પોતાના બીવી બાળકોને છોડીને જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે વીડિયો દ્વારા રિક્વેસ્ટ કરી હતી કે જે કોઈ આ વીડિયો જોઈ રહ્યું હોય તે તેમને ન્યાય અપાવે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમના ગયા બાદ તેમના બીવી બાળકોની બધી જવાબદારી જીતુ શર્મા અને સચિન જોશીની રહેશે. તેમણે ગોવા પાન મસાલાના વ્યવસાયમાં થયેલા દગાનો દાવો કર્યો હતો અને ઓફિસમાં એક લેખિત સુસાઇડ નોટ પણ છોડી હતી.
પોલીસે FIR લીધી નહીં
ઓમપ્રકાશ શર્માની દીકરી સ્નેહા શર્માએ મીડિયા સમક્ષ આવીને પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે બે મહિના વીતી ગયા હોવા છતાં માધુપુરા પોલીસે એફઆઇઆર લખી નથી અને માત્ર જાણવા જોગની વાત કરે છે. સ્નેહા શર્માએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ વિવાદમાં બહુ મોટા મોટા લોકો ઇન્વોલ્વ છે, જેના કારણે પોલીસ તેમના પર હાથ નાખવાથી ડરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
પરિવાર ન્યાય માટે પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચ્યો
ગુમ થવાના આ બનાવમાં છેતરપિંડીના આરોપોની સાથે પોલીસની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઊભા થયા છે. પરિવાર ન્યાય માટે પોલીસ કમિશનર કચેરી અને ક્રાઇમ બ્રાંચના દરવાજા ખખડાવી ચૂક્યો છે. જોકે, પરિવારને બે મહિના સુધી હજી સુધી એક હોપ પણ મળી રહી નથી કે કંઈક થશે કે વેપારી મળી જશે. આ વિવાદમાં મોટા લોકોની સંડોવણીના કારણે પોલીસવાળા તેમની સાથે વાત કરે છે કે નહીં, તે અંગે પણ પરિવારને કોઈ માહિતી મળી રહી નથી. હવે જોવાનું એ રહેશે કે પોલીસ લાપતા બનેલા વેપારીની શોધખોળ કરે છે કે નહીં.


