Gujarat24

રક્ષક જ બન્યો ભક્ષક: અમદાવાદમાં 4.68 લાખનું ચરસ બારોબાર વેચવા કાઢનાર ટ્રાફિક કોન્સ્ટેબલની ધરપકડ

Share On :

Cop Turned Drug Peddler: અમદાવાદ પોલીસ બેડામાં સનસનાટી મચાવતી એક ઘટના સામે આવી છે. જેમાં કાયદાનું રક્ષણ કરનાર એક પોલીસકર્મી જ નશીલા પદાર્થોની હેરાફેરીમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. શહેરના ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણે ચેકિંગ દરમિયાન જપ્ત કરેલો પોણા બે કિલો ચરસનો જથ્થો પોલીસમાં જમા કરાવવાને બદલે બારોબાર વેચવા માટે પોતાના મળતિયાને આપી દીધો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ આ મામલે કોન્સ્ટેબલ સહિત બે લોકોની ધરપકડ કરી છે.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?
SOG ની ટીમે બાતમીના આધારે નરોડા-મુઠિયા ગામ રોડ પરથી 26 વર્ષીય દિવ્યાંગ અજય ઉર્ફે બાદશાહ મહેશભાઈ બધેલને આંતર્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 1 કિલો 872 ગ્રામ ચરસ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે ₹4.68 લાખ થાય છે. અજયની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ જથ્થો તેને ટ્રાફિક કોન્સ્ટેબલ શૈલેષસિંહ ચૌહાણે વેચવા માટે આપ્યો હતો.

₹25,000 ના કમિશનની લાલચ આપી
તપાસમાં ખુલેલી વિગતો મુજબ કોન્સ્ટેબલ શૈલેષ અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે કેબિન ચલાવતા અજય સાથે સંપર્કમાં આવ્યો હતો. કોન્સ્ટેબલે ચેકિંગ દરમિયાન પકડેલું ચરસ સરકારી ચોપડે નોંધવાને બદલે પોતાની પાસે રાખી લીધું હતું. આ જથ્થો વેચી આપવા માટે તેણે અજયને ₹25,000 કમિશન આપવાની લાલચ આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, કોન્સ્ટેબલે ક્યાંકથી આ ચરસ પકડ્યું હતું પણ ઉપરી અધિકારીઓને જાણ કરવાને બદલે તે સગેવગે કરવાનું કાવતરું રચ્યું હતું.

SOG ની ઉંડાણપૂર્વકની તપાસ
SOG ના પી.આઈ. વી. એચ. જોષીના જણાવ્યા અનુસાર, કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણ અને અજય બધેલ બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે કોન્સ્ટેબલે આ ચરસનો જથ્થો કઈ જગ્યાએથી અને કોની પાસેથી પકડ્યો હતો? શું આ પહેલા પણ તેણે આ રીતે મુદ્દામાલની હેરાફેરી કરી છે? આ રેકેટમાં અન્ય કોઈ પોલીસકર્મી કે બૂટલેગર સામેલ છે કે કેમ?

અગાઉ પણ સ્ટેટ ટ્રાફિક પોલીસનો એક કોન્સ્ટેબલ હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો. હવે ફરી એકવાર ટ્રાફિક પોલીસના કર્મચારીની સંડોવણી સામે આવતા પોલીસ વિભાગની છબી ખરડાઈ છે.