Gujarat24

ગુજરાતમાં હાર્ટ એટેકનો હાહાકાર: કોરોનાકાળ કરતા 2025માં બમણા કેસ, ચોમાસામાં જોખમ સૌથી વધુ

Share On :

Gujarat Health Report: ગુજરાતમાં હૃદય રોગના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025ના આંકડાઓ મુજબ, રાજ્યમાં હાર્ટ સંબંધિત ઈમરજન્સીના કેસોની સંખ્યા 98,582 પર પહોંચી ગઈ છે, જે સરેરાશ દરરોજના 270 અને દર કલાકે 11 કેસ દર્શાવે છે. નવાઈની વાત એ છે કે આ આંકડો કોરોનાકાળના વર્ષ 2021 (42,555 કેસ) કરતા બમણાથી પણ વધુ છે.

ઋતુચક્રની હૃદય પર અસર
સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે કડકડતી ઠંડીમાં જ હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ હોય છે, પરંતુ તાજેતરના આંકડાકીય વિશ્લેષણમાં એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. અભ્યાસ મુજબ, હૃદયરોગના હુમલાનું પ્રમાણ શિયાળા કરતા પણ ચોમાસા દરમિયાન વધુ જોવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષના તમામ મહિનાઓમાં સપ્ટેમ્બર માસમાં હાર્ટ એટેકના સૌથી વધુ કેસ નોંધાયા છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને તાપમાનમાં આવતા અચાનક બદલાવ હૃદય પર દબાણ વધારે છે, જે જોખમમાં વધારો કરે છે. ત્યારબાદ બીજા ક્રમે શિયાળાની ઋતુમાં પણ કેસોની સંખ્યા ઉંચી જોવા મળી છે, જે દર્શાવે છે કે ઠંડુ વાતાવરણ હૃદયની ધમનીઓ પર પ્રતિકૂળ અસર કરે છે.

બીજી તરફ, હૃદય માટે ઉનાળાની ઋતુ પ્રમાણમાં રાહતદાયક સાબિત થઈ છે. આંકડા દર્શાવે છે કે એપ્રિલ, મે અને જૂન એમ ઉનાળાના ત્રણ મહિના દરમિયાન હૃદયરોગના હુમલાનું પ્રમાણ વર્ષમાં સૌથી ઓછું નોંધાયું છે. તબીબી નિષ્ણાતોના મતે, ઋતુ પ્રમાણે જીવનશૈલી અને ખોરાકમાં ફેરફાર કરીને આ જોખમોને ઘટાડી શકાય છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળા દરમિયાન હૃદયના દર્દીઓએ વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે.

યુવા પેઢી પર વધતું જોખમ
હૃદયરોગના હુમલાને લઈને તાજેતરમાં બહાર આવેલા આંકડાએ આરોગ્ય નિષ્ણાતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો કર્યો છે. અહેવાલ મુજબ, હવે હૃદયરોગ માત્ર મોટી ઉંમરની બીમારી રહી નથી; 20 વર્ષની ઉંમર વટાવ્યા બાદ જ હૃદયરોગની સંભાવનામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. યુવા પેઢીમાં વધતું જતું આ જોખમ આવનારા સમય માટે લાલબત્તી સમાન છે.

આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, 51 થી 60 વર્ષના વયજૂથમાં સૌથી વધુ 21.20% કેસો નોંધાયા છે, જે દર્શાવે છે કે આ ઉંમરે હૃદય સૌથી વધુ સંવેદનશીલ બને છે. જોકે, સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે 21 થી 30 વર્ષના યુવાનોમાં પણ 10.18% કેસો જોવા મળ્યા છે. 31 થી 40 વર્ષના વયજૂથમાં આ પ્રમાણ 13.85% અને 41 થી 50 વર્ષની વયના લોકોમાં 18.18% જેટલું નોંધાયું છે. 61 થી 70 વર્ષના વૃદ્ધોમાં આ ટકાવારી 18.77% રહી છે.

તબીબોના મતે, યુવાનોમાં વધતા કેસો પાછળ ધૂમ્રપાન, વધુ પડતો જીમનો ક્રેઝ (સ્ટરોઇડ્સનો ઉપયોગ), અપૂરતી ઊંઘ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન મુખ્ય કારણો હોઈ શકે છે. 20 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં હૃદયરોગનું વધતું પ્રમાણ સાબિત કરે છે કે હવે નાની ઉંમરથી જ નિયમિત હાર્ટ ચેક-અપ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી અનિવાર્ય બની ગઈ છે.

શા માટે વધી રહ્યા છે હૃદયરોગના હુમલા?
છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાના કેસોમાં થઈ રહેલો ચિંતાજનક વધારો તબીબી જગત માટે ચર્ચાનો વિષય બન્યો છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે, આ જીવલેણ સ્થિતિ પાછળ કોઈ એક કારણ નહીં પરંતુ બદલાતી જીવનશૈલીના અનેક પરિબળો જવાબદાર છે.

આ વધતા કેસોના મૂળમાં સૌથી મોટું કારણ ખાનપાન અને લાઈફસ્ટાઈલ છે. આજના સમયમાં અનિયમિત આહાર, જંક ફૂડનો વધતો વપરાશ અને બેઠાડુ જીવનશૈલીને કારણે લોકોમાં મેદસ્વીતા અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વધી રહી છે. તેની સાથે શહેરી જીવન અને માનસિક તણાવ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. કામકાજનું વધતું ભારણ અને સ્પર્ધાત્મક જીવનને લીધે સર્જાતું માનસિક દબાણ હૃદયની ધમનીઓ પર સીધી માઠી અસર કરી રહ્યું છે.

વધુમાં, હવામાનમાં આવતા તીવ્ર ફેરફારો પણ એક મહત્વનું પરંતુ ઓછું જાણીતું કારણ છે. નિષ્ણાંતોના મતે, વાતાવરણમાં ભેજનું વધતું પ્રમાણ અને તાપમાનમાં આવતા અચાનક ઉતાર-ચઢાવ શરીરની ‘નેચરલ કુલિંગ સિસ્ટમ’ પર દબાણ લાવે છે. જ્યારે શરીર બાહ્ય તાપમાન સાથે તાલમેલ બેસાડવા સંઘર્ષ કરે છે, ત્યારે હૃદય પરનો ભાર વધી જાય છે, જે આખરે હાર્ટ એટેકનું નિમિત્ત બની શકે છે. આ સંજોગોમાં તબીબો નિયમિત કસરત, સંતુલિત આહાર અને માનસિક શાંતિ જાળવવાની ખાસ સલાહ આપી રહ્યા છે.

વર્ષ 2026માં આ આંકડો 1 લાખને પાર કરી જવાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે. 108 ઈમરજન્સી સેવા દ્વારા મળેલી માહિતી મુજબ, નાની વયના બાળકોમાં પણ ગત વર્ષની સાપેક્ષે કેસોમાં વધારો નોંધાયો છે.