Gujarat24

કેન્દ્રીય બજેટ 2026: કૌશલ્ય, ઉત્પાદન અને સહકાર આધારિત વૃદ્ધિના રોડમેપને ઉદ્યોગજગતનો પ્રચંડ પ્રતિસાદ

Share On :

Budget 2026: કેન્દ્રીય બજેટ 2026એ ભારતની લાંબાગાળાની આર્થિક વ્યૂહરચનાને નવી દિશા આપતા ઉદ્યોગજગતમાં ઉત્સાહનો સંચાર કર્યો છે. શિક્ષણ, પુનઃપ્રાપ્ય ઊર્જા, ટેક્સટાઇલ્સ અને સહકારી ડેરી જેવા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને સરકારે ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા તરફ મજબૂત કદમ ઉઠાવ્યા છે. ઉદ્યોગના માંધાતાઓએ આ બજેટને સર્વસમાવેશક અને ભવિષ્યલક્ષી ગણાવ્યું છે.

સહકારી ક્ષેત્ર અને પશુપાલન: ખેડૂતોની આવકમાં વૃદ્ધિનો સંકેત
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ ડૉ. મીનેશ શાહે બજેટને આવકારતા જણાવ્યું હતું કે, સહકારી ડેરી અને પશુપાલન ક્ષેત્રને મળેલું પ્રોત્સાહન ઉદ્યોગસાહસિકતાને વેગ આપશે. ખાસ કરીને સહકારી સંસ્થાઓ માટે કરવેરામાં રાહત અને પશુ આહાર પરની કર-કપાતથી ખેડૂતબંધુઓને સીધો આર્થિક ફાયદો થશે, જે ગ્રામીણ અર્થતંત્રને સુદ્રઢ બનાવશે.

ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ભારત વૈશ્વિક ડેટા હબ બનવા તરફ
ડેટા સેન્ટર ક્ષેત્રે ભારતની વધતી ક્ષમતા અંગે ઋષભ દેઢિયા (MD, JIKA EPC સર્વિસિઝ લિ.) એ હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વર્ષ 2030 સુધીમાં ભારતની ડેટા સેન્ટર ક્ષમતા 8 GW સુધી પહોંચી શકે છે. વિદેશી ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સ માટે 2047 સુધીના ટેક્સ હોલિડેની દરખાસ્ત ભારતને એશિયા-પેસિફિકમાં રોકાણ માટેનું અગ્રણી કેન્દ્ર બનાવશે, જેનાથી પાવર અને ઓપ્ટિકલ ફાઈબર ક્ષેત્રે પણ રોકાણ વધશે.

ગ્રીન એનર્જી અને મેન્યુફેક્ચરિંગ: આત્મનિર્ભરતા પર ભાર
ગ્રીન એનર્જી અને ટેક્સટાઇલ સેક્ટરમાં લેવાયેલા નિર્ણયોને ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલે આવકારતા તેને આત્મનિર્ભર ભારત તરફનું એક મજબૂત કદમ ગણાવ્યું છે.

સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે સરકારના વ્યવહારુ અભિગમની પ્રશંસા કરતા રોનક ચિરીપાલે જણાવ્યું હતું કે, લિથિયમ-આયન સેલ્સના નિર્માણ માટે જરૂરી કેપિટલ ગુડ્સ પરની કસ્ટમ્સ ડ્યુટીમાં છૂટ લંબાવવાનો નિર્ણય બેટરી સ્ટોરેજની સ્થાનિક ક્ષમતા વધારવામાં ગેમ-ચેન્જર સાબિત થશે. આ ઉપરાંત, સોલર વેલ્યુ ચેઇનમાં સોડિયમ એન્ટિમોનેટ જેવા મુખ્ય ઇનપુટ્સ પર મળેલી રાહતથી સોલર ઉત્પાદનમાં ભારતનું સ્થાનિકીકરણ વધુ મજબૂત બનશે અને ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત થશે.

બીજી તરફ, ભારતની ઓળખ સમાન ટેક્સટાઇલ સેક્ટર માટે આ બજેટને ‘માઇલસ્ટોન’ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, “બજેટમાં કુદરતી અને માનવ-નિર્મિત ફાઇબર (Man-made fiber) માટે સંકલિત કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે, જે લાંબા સમયથી પ્રવર્તતી નીતિગત અસ્પષ્ટતાને દૂર કરે છે. પરંપરાગત ક્લસ્ટરોનું આધુનિકીકરણ અને સસ્ટેનેબિલિટી પરના ભારને કારણે વૈશ્વિક બજારમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતામાં મોટો ઉછાળો જોવા મળશે. માળખાકીય ખામીઓ દૂર થવાથી હવે ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈઓ સર કરવા સક્ષમ બનશે.

શિક્ષણ અને રોજગાર: ઉદ્યોગની જરૂરિયાત મુજબનું કૌશલ્ય
શિક્ષણ ક્ષેત્રે ‘એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ’ સ્ટેન્ડિંગ કમિટીની સ્થાપનાને ઐતિહાસિક ગણાવતા સ્વર્ણિમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ઋષભ જૈને જણાવ્યું કે, “AI અને ટેકનોલોજીના યુગમાં અભ્યાસક્રમોને ઉદ્યોગની જરૂરિયાત સાથે જોડવાથી યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.”

સમગ્રપણે જોઈએ તો, બજેટ 2026 એ માત્ર નાણાકીય દસ્તાવેજ નથી, પરંતુ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સક્ષમ માનવબળ દ્વારા ભારતને વૈશ્વિક ઉત્પાદન અને સેવા હબ બનાવવાની દિશામાં એક નિર્ણાયક વ્યૂહરચના છે.