Budget 2026 News: 1 ફેબ્રુઆરી 2026ના રોજ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, જે ઐતિહાસિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપશે. આ બજેટમાં મધ્યમ વર્ગથી લઈને સંરક્ષણ અને ઓટોમોબાઈલ ક્ષેત્ર સુધી તમામ વર્ગોની નજર ટકેલી છે, જેમાં આવકવેરો અને રેલવે મુસાફરી મુખ્ય કેન્દ્રસ્થાને છે.
ઈન્કમ ટેક્સમાં મધ્યમ વર્ગને મોટી ભેટની આશા
વધતી જતી મોંઘવારી વચ્ચે કરદાતાઓ આ વર્ષે ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની અપેક્ષા રાખી રહ્યા છે. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કરમુક્ત આવકની મર્યાદા હાલના ₹૧૨ લાખથી વધારીને ₹૧૫ લાખ કરવામાં આવે તેવી પ્રબળ માંગ છે. જો સરકાર આ નિર્ણય લેશે, તો લાખો નોકરિયાત વર્ગના હાથમાં વધુ બચત રહેશે. બીજી તરફ, જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ સેક્શન 80C અને 80D ની મર્યાદા વધારવા પર પણ રોકાણકારોની નજર છે. આ ઉપરાંત, ITR પ્રોસેસિંગને વધુ ઝડપી બનાવી ટેક્સ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવા સરકાર ખાસ જાહેરાત કરી શકે છે.
રેલવે: વરિષ્ઠ નાગરિકોને રાહત અને 300 નવી ટ્રેનો
રેલવે ક્ષેત્રે આ વખતે મોટા પરિવર્તનોના સંકેત મળી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન બંધ કરવામાં આવેલી વરિષ્ઠ નાગરિકો માટેના ભાડામાં છૂટ ફરી શરૂ કરવા અંગે સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે દેશમાં અંદાજે 300 નવી ટ્રેનો શરૂ કરવાની અને રેલવે ટ્રેક ડબલિંગ તેમજ જૂના સ્ટેશનોના આધુનિકીકરણ માટે મોટા ભંડોળની ફાળવણી થવાની શક્યતા છે.
સ્વાસ્થ્ય વીમો અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પર ભાર
સ્વાસ્થ્ય સેવાઓના વધતા ખર્ચને જોતા, સેક્શન 80D હેઠળ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર મળતી કરમુક્તિની મર્યાદા વધારવાની માંગ ઉઠી છે, જેથી સામાન્ય નાગરિકો પર તબીબી ખર્ચનો બોજ ઓછો થઈ શકે. સાથોસાથ, પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર EV સેક્ટરને વેગ આપવા નવી સબસિડી કે પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરી શકે છે. આગામી નાણાકીય વર્ષ 2026-27નું આ બજેટ દેશના આર્થિક માળખાને મજબૂત કરવાની સાથે સામાન્ય જનતાના ખિસ્સાને કેટલી રાહત આપશે, તેના પર સૌની નજર રહેશે.
બીજી તરફ, ભારતને ગ્રીન એનર્જી તરફ લઈ જવા માટે ઓટોમોબાઈલ સેક્ટરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉદ્યોગ સરકાર પાસે વિશેષ રાહતોની અપેક્ષા રાખી રહ્યો છે. EV મેન્યુફેક્ચરર્સ અને ગ્રાહકો બંને ઈચ્છે છે કે સરકાર ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન) સ્કીમ ચાલુ રાખે અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે નીતિગત ટેકો પૂરો પાડે. દેશભરમાં ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક વધારવા માટે મોટા ભંડોળની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે, જેથી ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધુ સરળ અને લોકપ્રિય બની શકે.
ડિફેન્સ અને આત્મનિર્ભર ભારત
વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા આ બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર (Defence) માટે મોટું બજેટ ફાળવવામાં આવી શકે છે. સરકારનું લક્ષ્ય સંરક્ષણ ઉપકરણોમાં ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાનું છે. પાવર ઈલેક્ટ્રોનિક્સ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં પણ મોટા રોકાણની જાહેરાત થઈ શકે છે.


