Kochrab Ashram Row: સત્યાગ્રહ અને સાદગીનું પ્રતીક ગણાતો કોચરબ આશ્રમ હવે જાણે ઈવેન્ટ સેન્ટરમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સર્જાતા ગાંધીવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશ્રમમાં ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ના સ્થાને ‘કજરારે-કજરારે’ જેવા ફિલ્મી ગીતો અને ડીજેના ઘોંઘાટ વચ્ચે વૈભવી લગ્ન યોજાતા વિવાદનો મધપૂડો છેડાયો છે.
ઐતિહાસિક ધરોહરમાં ફિલ્મી ગીતોની ધૂમ
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલો ઐતિહાસિક કોચરબ આશ્રમ, જે મહાત્મા ગાંધીજીના ભારતમાં પ્રથમ નિવાસસ્થાન તરીકે ઓળખાય છે, ત્યાં તાજેતરમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગમાં શાંતિ અને અહિંસાના આ કેન્દ્રમાં મોડી રાત સુધી ડીજેના તાલે જાનેયાઓએ ઠુમકા લગાવ્યા હતા. ડાન્સ અને ડિનરના આ વૈભવી આયોજનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં આશ્ચર્ય અને આક્રોશ ફેલાયો છે.
કોચરબ આશ્રમનું ઐતિહાસિક મહત્વ
સ્થાપના: ઈ.સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ ગાંધીજીએ અહીંથી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.
સંદેશ: સત્યાગ્રહ, સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ અને જાહેર શિક્ષણનું આ મુખ્ય કેન્દ્ર રહ્યું છે.
વારસો: આ આશ્રમ વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશ આપનારી એક અમૂલ્ય વિરાસત છે.
વિપક્ષનો આક્રોશ: ગાંધી વિચારધારાને ભૂંસવાનો પ્રયાસ
આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોચરબ આશ્રમ ગાંધીજીની કર્મભૂમિ છે. આવા પવિત્ર સ્થળે ખાનગી અને વૈભવી લગ્નો યોજવા એ ગાંધીજીની ગરિમા અને વિચારધારાને નુકસાન પહોંચાડવાનું સુનિયોજિત કાવતરું છે. સત્તાધીશો જાણીજોઈને ગાંધીના મૂલ્યોને ભુલાવી રહ્યા છે.
ગુજરાત વિદ્યાપીઠનો બચાવ
આ સમગ્ર મામલે ગુજરાત વિદ્યાપીઠના સત્તાધીશોએ નબળો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ લગ્ન આશ્રમના જ એક સેવકના દીકરાના હતા. તેમણે ભૂતકાળનું ઉદાહરણ આપતા કહ્યું કે અગાઉ ગાંધીજીના ભાણેજના લગ્ન પણ અહીં જ થયા હતા. જોકે, ટીકાકારોનું કહેવું છે કે ગાંધીજીના સમયના લગ્ન અને આજના ડીજે-ઘોંઘાટ સાથેના વૈભવી લગ્ન વચ્ચે આસમાન-જમીનનો તફાવત છે.
જે આશ્રમમાંથી દેશમાં આઝાદીની લડતનો પાયો નંખાયો હતો, ત્યાં ફિલ્મી ગીતો પર થતા નૃત્યો એ ગાંધીજીના ‘સાદગી’ના સિદ્ધાંતોનું અપમાન હોવાનું સામાન્ય જનતા માની રહી છે.



