5 Unbreakable Cricket World Records in 2025: વર્ષ 2026ની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગત વર્ષ એટલે કે 2025 ક્રિકેટ ચાહકો માટે રોમાંચ અને અવિશ્વસનીય રેકોર્ડ્સનું વર્ષ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લઈને T20 લીગ સુધી, ખેલાડીઓએ મેદાન પર એવા પરાક્રમ કર્યા જે ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાઈ ગયા છે. ચાલો જોઈએ વર્ષ 2025ના એવા 5 વર્લ્ડ રેકોર્ડ્સ જેણે ક્રિકેટની વ્યાખ્યા બદલી નાખી.
એક જ ઓવરમાં 5 વિકેટ ઝડપવાનો ચમત્કાર
વર્ષ 2025નો સૌથી ચોંકાવનારો રેકોર્ડ ઇન્ડોનેશિયાના બોલર ગેડે પ્રિયાંદનાએ બનાવ્યો છે. તેણે કંબોડિયા સામેની આંતરરાષ્ટ્રીય મેચમાં એક જ ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી અને માત્ર 1 રન આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આવું પરાક્રમ કરનાર તે પ્રથમ ખેલાડી છે. આ રેકોર્ડ તોડવા માટે હવે બોલરે ઓવરના દરેક બોલે વિકેટ લેવી પડશે, જે લગભગ અશક્ય જણાય છે.
13 દેશો સામે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન શાઈ હોપે વર્ષ 2025માં એક અનોખો ઈતિહાસ રચ્યો છે. ન્યુઝીલેન્ડ સામે વનડેમાં સદી ફટકારીને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 અલગ-અલગ દેશો સામે સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે શ્રીલંકાના મહેલા જયવર્ધને અને ક્રિસ ગેલ (12-12 દેશો)નો રેકોર્ડ તોડ્યો છે.
T20 ઇન્ટરનેશનલમાં એક જ મેચમાં 8 વિકેટ
સામાન્ય રીતે T20ને બેટ્સમેનોની રમત માનવામાં આવે છે, પરંતુ ભૂટાનના બોલર સોનમ યેશે એ મ્યાનમાર સામેની મેચમાં 8 વિકેટ ઝડપીને સૌને સ્તબ્ધ કરી દીધા હતા. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં એક જ મેચમાં 8 વિકેટ લેનારો તે પ્રથમ બોલર બન્યો છે.
સૌથી નાની ઉંમરે લિસ્ટ-એ સદીનો રેકોર્ડ
ભારતના બિહારના યુવા પ્રતિભાશાળી બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 વર્ષ અને 272 દિવસની ઉંમરે લિસ્ટ-એ ક્રિકેટમાં સદી ફટકારી છે. તેણે પાકિસ્તાનના ઝહૂર ઈલાહીનો 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને વિશ્વ ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે.
T20ની એક ઇનિંગમાં 19 સિક્સર
ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ફિન એલને મેજર લીગ ક્રિકેટ (MLC)માં વોશિંગ્ટન ફ્રીડમ સામે રમતા એક જ ઇનિંગમાં 19 છગ્ગા ફટકાર્યા હતા. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારવાનો આ નવો વર્લ્ડ રેકોર્ડ છે, જે અગાઉ ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેલના નામે હતો.



