Women’s Polo Match : ગુજરાતમાં યોજાયેલી સૌથી મોટી પોલો ઇવેન્ટ, ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’, ત્રણ દિવસની અત્યંત રોમાંચક અને સ્પર્ધાત્મક પોલો, ઘોડેસવારીની રમત અને સુંદર સાંસ્કૃતિક પ્રદર્શન સાથે રવિવારે સમાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આટલા વિશાળ સ્તર પર, સફળ રીતે આયોજીત, આ ટુર્નામેન્ટે, સમગ્ર રાજ્યમાં “ધી કિંગ ઓફ ગેમ્સ” તરીકે જાણીતી પોલો રમતના પુનરુત્થાનને વેગ આપ્યો છે.
ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ ટુર્નામેન્ટ, 2 થી 4 જાન્યુઆરી દરમિયાન શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ ઇવેન્ટના અંતિમ દિવસે રમતગમત અને ભવ્યતાનું જોરદાર સંયોજન જોવા મળ્યું હતું. પ્રોગ્રામની શરૂઆત ડાન્સ અને રોમાંચક ટ્રોન એક્ટ સાથે થઈ હતી, જેનાથી સાંજે ઉજવણીનો મનોરંજક માહોલ જામ્યો હતો. અશ્વારોહણ રમતોના પ્રદર્શનોમાં ઘોડાની રમતો સાથે સંકળાયેલ શિસ્ત અને કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટના ત્રીજા અને અંતિમ દિવસે રસાકસીભર્યા મુકાબલાઓ જોવા મળ્યા હતા. દિવસનું મુખ્ય આકર્ષણ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી બે મહિલા ટીમો એપોલો એવિએટર્સ અને લાયન્સ ડેન લિજેન્ડ્સ વચ્ચેનો એક રોમાંચક જંગ રહ્યો હતો. અત્યંત રસાકસીભર્યા આ મુકાબલામાં લાયન્સ ડેન લિજેન્ડ્સે એપોલો એવિએટર્સને ૪–૩ ના મામૂલી અંતરથી હરાવીને રોમાંચક વિજય મેળવ્યો હતો. એપોલો એવિએટર્સ વતી સંજુલા માનએ ત્રણેય ગોલ કરીને પ્રશંસનીય દેખાવ કર્યો હતો, જ્યારે લાયન્સ ડેન લિજેન્ડ્સ તરફથી ડો. શિવાંગી જયસિંહે ત્રણ ગોલ ફટકારીને ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટીમના વિજયમાં લાવણ્યા શેખાવતે છેલ્લો ગોલ કરીને એક મહત્વનું યોગદાન આપ્યું હતું..
ત્યારબાદ પ્રેક્ષકોની નજર મેન્સ ફાઈનલ પર ટકી હતી, જેમાં મેફેર પોલો અને પુણે વોરિયર્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. નિર્ધારિત સમયના અંતે બંને ટીમો ૭–૭ ની બરાબરી કરી હતી, જેના કારણે મેચ વધુ રોમાંચક બની હતી. અંતે, પુણે વોરિયર્સે નિર્ણાયક ‘ગોલ્ડન ગોલ’ ફટકારીને ૮-૭ થી મેચ પોતાના નામે કરીને પ્રતિષ્ઠિત ટ્રોફી પર જીત હાંસલ કરી હતી. પુણે વોરિયર્સની જીતમાં લાન્સ વોટસન ‘સ્ટાર’ રહ્યો હતો, જેણે એકલા હાથે ૭ ગોલ કર્યા હતા, જ્યારે મેજર અનંત રાજપુરોહિતે એક ગોલ નોંધાવ્યો હતો. બીજી તરફ, મેફેર પોલો તરફથી ડીનો ધનખર અને ડેનિયલ ઓટામેન્ડીએ ૩-૩ ગોલ અને લેફ્ટનન્ટ કર્નલ વિશાલ ચૌહાણે ૧ ગોલ ફટકારીને મજબૂત લડત આપી હતી. ટુર્નામેન્ટના અંતે ભવ્ય સન્માન અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમદાવાદ પોલો ટુર્નામેન્ટને અમારી અપેક્ષાઓ કરતાં વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. રમતની ગુણવત્તાથી લઈને દર્શકોના ઉત્સાહ સુધી, આ ટુર્નામેન્ટ ગુજરાતમાં પોલોમાં વધતી જતી રુચિ દર્શાવે છે. અમારો ઉદ્દેશ્ય, રમતના વારસાની ઉજવણી કરવાની સાથે-સાથે તેને આકર્ષક અને વિશાળ પ્રેક્ષકો માટે સુલભ બનાવવાનો હતો, અને હું માનું છું કે, અમે તે હાંસલ કરવામાં સફળ રહ્યા છીએ.”
ગુજરાત પોલો ક્લબના પ્રમોટર સંજય પાલડિયાએ જણાવ્યું હતું કે, “આ ટુર્નામેન્ટે દર્શાવ્યું છે કે, અમદાવાદમાં રાષ્ટ્રીય સ્તરે પોલોનું આયોજન કરવાની ક્ષમતા અને માળખાગત સુવિધા ઉપલબ્ધ છે. અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ભાગીદારી, મહિલા ટીમોનો સમાવેશ, સ્પર્ધાનું સ્ટાન્ડર્ડ અને ઇવેન્ટનું આ લેવલ એ ગુજરાતમાં પોલોની રમતના મજબૂત ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે. અમે આને લાંબાગાળાની રમત પરંપરાની શરૂઆત તરીકે જોઈએ છીએ.”
‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’ ના સફળ આયોજને, તેને એક એવી ઇવેન્ટ તરીકે સ્થાન આપ્યું છે, જે રમતગમત, સંસ્કૃતિ અને વારસાને એકસાથે જોડે છે તેમજ રાજ્યમાં “ધી કિંગ ઓફ ગેમ્સ” ના પુનરુત્થાનનો મજબૂત પાયો નાખે છે.



