Gujarat24

T20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાને મોટો ફટકો, સ્ટાર ઓપનર અભિષેક શર્મા હોસ્પિટલમાં દાખલ

Share On :

Abhishek Sharma Health Update: T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમના આક્રમક ઓપનર અભિષેક શર્માની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, અભિષેક શર્માને પેટમાં ગંભીર ઇન્ફેક્શન થયું છે, જેના કારણે 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે રમાનારી મેચમાં તેમનું રમવું હવે અશક્ય જણાય છે.

USA સામેની મેચ દરમિયાન જ તબિયત બગડી હતી
અભિષેકની તબિયત 7 ફેબ્રુઆરીએ USA સામેની પ્રથમ મેચ દરમિયાન જ ખરાબ હોવાના અહેવાલો હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ તે મેચમાં ભારે તાવ હોવા છતાં રમ્યા હતા, જેના કારણે ઇન્ફેક્શન વધી ગયું હતું. USA સામે તેઓ શૂન્ય રને આઉટ થયા હતા અને ત્યારબાદ ફિલ્ડિંગમાં પણ દેખાયા નહોતા. તેમની જગ્યાએ સંજૂ સેમસને ફિલ્ડિંગ કરી હતી. સ્થિતિ એવી હતી કે મેચ પૂરી થયા બાદ તેઓ વિરોધી ટીમ સાથે હાથ મિલાવવા પણ મેદાનમાં આવી શક્યા નહોતા.

પ્રેક્ટિસ સેશનમાંથી રહ્યા ગેરહાજર
10 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલા ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં પણ અભિષેક શર્મા ગેરહાજર રહ્યા હતા. ટીમના આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડેશકોટેએ મીડિયા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે અભિષેકને પેટની સમસ્યા છે. જોકે, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં તેમની હાલત વધુ બગડતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા છે.

ગૌતમ ગંભીરની ચિંતા વધી
8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નિવાસસ્થાને ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં અભિષેકની નબળી તબિયત જોઈને ગંભીર પણ ચિંતિત જણાયા હતા. હવે નામિબિયા સામેની મેચમાં અભિષેકની જગ્યાએ સંજૂ સેમસન પ્લેઈંગ-11માં સામેલ થાય તેવી પ્રબળ શક્યતા છે.

અભિષેક શર્માની તબિયત અંગે વધુ સચોટ માહિતી આજે (11 ફેબ્રુઆરી) યોજાનારી પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં મળી શકે છે. ચાહકો અત્યારે સોશિયલ મીડિયા પર તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.