Gujarat24

ગુજરાત બજેટ 2026-27: સચિવાલયમાં બેઠકોનો ધમધમાટ, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સૌથી લાંબુ બજેટ સત્ર મળવાની શક્યતા

Share On :

Gujarat Budget 2026-27: ગુજરાત રાજ્યના વર્ષ 2026-27ના આગામી બજેટને આખરી ઓપ આપવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે વહીવટી પ્રક્રિયા તેજ બની છે. નાણાં વિભાગ દ્વારા વિવિધ વિભાગો સાથે પ્રેઝન્ટેશન અને નાણાકીય આયોજન અંગેની સમીક્ષા બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી બજેટ સત્રનો પ્રારંભ થઈ શકે છે અને આ વખતનું સત્ર ઐતિહાસિક રીતે સૌથી લાંબુ રહેવાની શક્યતા છે.

બજેટના કેન્દ્રમાં આદિવાસી, મહિલા અને ખેડૂતો
રાજ્ય સરકાર આ વખતે ‘લોકપયોગી બજેટ’ રજૂ કરવાના મતમાં છે. બજેટમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે:

લક્ષિત જૂથો: આદિવાસી કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને ખેડૂતોની આવક વધારવા પર વિશેષ ધ્યાન.
માળખાગત સુવિધાઓ: ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી યોજનાઓ.
નવી યોજનાઓ: જનતાને સીધો લાભ મળે તેવી અનેક નવી લોકકલ્યાણકારી યોજનાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

40થી વધુ બેઠકો સાથે લાંબુ સત્ર
આ વર્ષનું બજેટ સત્ર દોઢ થી બે મહિના સુધી ચાલે તેવી પ્રબળ શક્યતા છે. આ દરમિયાન અંદાજે 40થી વધુ બેઠકો યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. સત્રના દિવસો વધુ હોવાથી ધારાસભ્યોને પોતાના મતવિસ્તારના પ્રશ્નો અને લોકહિતની ચર્ચાઓ માટે વધુ સમય મળી રહેશે.

વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની પુનઃરચના
બજેટ સત્રની વ્યાપક તૈયારીઓના ભાગરૂપે ‘વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિ’ની પુનઃરચના કરવામાં આવી છે. આ સમિતિમાં સભ્યોની સંખ્યા વધીને હવે 9 થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જીતુ વાઘાણી, મંત્રી કુંવરજી બાવળીયા અને મનીષા વકીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષી નેતા તુષાર ચૌધરીની પણ આ સમિતિના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સમિતિ આગામી દિવસોમાં બજેટ સત્રની રૂપરેખા અને કામકાજના કલાકો નક્કી કરવા માટે મહત્વની ભૂમિકા ભજવશે.