Gujarat24

ઈસરોનું મિશન 2040: ભારત ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓ મોકલવા અને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા સજ્જ

Share On :

India’s Space Roadmap: ભારત આગામી દાયકાઓમાં અંતરિક્ષ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપવા જઈ રહ્યું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) ના પૂર્વ ચેરમેન એ.એસ. કિરણકુમારે અમદાવાદમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે, ભારત વર્ષ 2040 સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓ મોકલવાનું અને તેમને સુરક્ષિત પરત લાવવાનું લક્ષ્ય ધરાવે છે.

સ્પેસ સ્ટેશન અને ચંદ્ર મિશન પર ભાર
અમદાવાદ ખાતે યોજાયેલ ‘પાંચમી એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા’ (ASI) ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપતા કિરણકુમારે જણાવ્યું કે, અત્યારથી લઈને 2040 સુધીનો સમયગાળો ભારત માટે ખૂબ જ વ્યસ્ત અને ગતિશીલ રહેશે. આ સમયગાળા દરમિયાન ભારત માત્ર ચંદ્ર પર માનવ મોકલવા જ નહીં, પરંતુ પોતાનું સ્વદેશી સ્પેસ સ્ટેશન સ્થાપવા માટે પણ ગંભીરતાથી કામ કરી રહ્યું છે.

સામાજિક ઉત્કર્ષ માટે સ્પેસ ટેક્નોલોજી
હાલમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ની મેનેજમેન્ટ કાઉન્સિલના ચેરમેન તરીકે સેવા આપી રહેલા એ.એસ. કિરણકુમારે ભારતની વિશેષતા જણાવતા કહ્યું કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ સૈન્ય હિતોને બદલે સમાજના ઉત્કર્ષ માટે કર્યો છે. ડૉ. વિક્રમ સારાભાઈના વિઝનને કારણે જ આઝાદીના થોડા જ વર્ષોમાં ભારતે હવામાન અને કમ્યુનિકેશન જેવી સુવિધાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી છે.

ખાનગી ક્ષેત્ર અને શૈક્ષણિક સંસ્થાઓ માટે તક
તેમણે ઉમેર્યું કે ભારતના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને કારણે એન્જિનિયરિંગ કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ માટે નવી તકોના દ્વાર ખુલશે. ભારત બ્રહ્માંડના રહસ્યોને સમજવા અને અવકાશ અવલોકન માટે પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખશે.