Gujarat24

RTE પ્રવેશમાં ગેરરીતિ: CM પોર્ટલ પર ફરિયાદોનો ઢગલો, શિક્ષણ વિભાગે DEO-DPEO ને આપ્યા કડક તપાસના આદેશ

Share On :

Gujarat RTE Admission Issues: રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની મુશ્કેલીઓનો મામલો હવે ગરમાયો છે. મુખ્યમંત્રી જનસંવાદ પોર્ટલ પર આ સંદર્ભે ૨૦૦થી વધુ ફરિયાદો નોંધાતા, રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO) ને તાત્કાલિક સુનાવણી હાથ ધરી નિકાલ લાવવા આદેશ કર્યો છે.

ફરિયાદોનો મુખ્ય વિષય: ફીની ઉઘરાણી અને ભેદભાવ
નિયમ મુજબ, RTE હેઠળ ધોરણ-૧માં પ્રવેશ મેળવનારા બાળકો પાસેથી ખાનગી શાળાઓ કોઈપણ પ્રકારની ફી માંગી શકતી નથી. તેમ છતાં, CM પોર્ટલ પર મળેલી ૨૦૮ જેટલી ફરિયાદોમાં વાલીઓએ આક્ષેપ કર્યો છે કે ઘણી શાળાઓ દ્વારા પ્રવેશ બાદ અલગ-અલગ બહાને ફીની માંગણી કરવામાં આવે છે. RTE ના વિદ્યાર્થીઓ સાથે અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ ભેદભાવ રાખવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં બાળકોને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાની પણ રજૂઆતો થઈ છે.

ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં પણ અડચણો
ફક્ત શાળાઓના વ્યવહાર જ નહીં, પરંતુ વહીવટી પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠ્યા છે. વાલીઓની મુખ્ય ફરિયાદોમાં ઓનલાઈન અરજીઓ કારણ વગર રિજેક્ટ થવી.અંગ્રેજી માધ્યમમાં પડતી તકલીફોને કારણે ગુજરાતી માધ્યમમાં પ્રવેશની માંગ.અમદાવાદની જાણીતી ૨-૩ મોટી શાળાઓ દ્વારા એડમિશન ઓર્ડર હોવા છતાં પ્રવેશ ન આપવો.

તંત્રની કડક કાર્યવાહી: અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ આ બાબતે પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે DEO અને DPEO એ જે-તે શાળા અને વાલીનો સંપર્ક કરી સુનાવણી ગોઠવવાની રહેશે. કરવામાં આવેલી કાર્યવાહીનો સંપૂર્ણ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે. આ મામલે સીધી મુખ્યમંત્રી કક્ષાએ સમીક્ષા થવાની હોવાથી, જો કાર્યવાહીમાં વિલંબ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે જિલ્લાના અધિકારીની ગણાશે.શિક્ષણ વિભાગના આ કડક વલણથી ગેરરીતિ આચરતી ખાનગી શાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે વાલીઓને આ સુનાવણી બાદ કેટલો ન્યાય મળે છે.