Gujarat24

કૃષિ શિક્ષણમાં મોટો ફેરફાર: હવે પ્રાકૃતિક ખેતીમાં પણ થશે સ્પેશિયલાઈઝડ PhD, આગામી શૈક્ષણિક વર્ષથી નવા કોર્સ લાગુ થશે

Share On :

Study Natural Farming: ભારત સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR) દ્વારા દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એગ્રિકલ્ચર ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માત્ર ખેતી જ નહીં, પરંતુ ‘પ્રાકૃતિક ખેતી’ (Natural Farming) વિષયમાં સ્પેશિયલાઈઝડ માસ્ટર્સ (PG) અને પીએચડી (PhD) પણ કરી શકશે.

ગુજરાતના કુલપતિના નેતૃત્વમાં કમિટીની રચના
ICAR દ્વારા આ અંગેના ખાસ અભ્યાસક્રમો તૈયાર કરવા માટે કૃષિ વૈજ્ઞાનિકોની એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીની જવાબદારી ગુજરાતની નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટિંબાડિયાને સોંપવામાં આવી છે. આ કમિટીમાં વિવિધ રાજ્યોના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો સામેલ છે. આગામી ત્રણ મહિનામાં આ કમિટી નવો કરિક્યુલમ (અભ્યાસક્રમ) તૈયાર કરશે. કોર્સ તૈયાર કરવામાં માત્ર વૈજ્ઞાનિકો જ નહીં, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં સફળ થયેલા ખેડૂતોના અનુભવોને પણ સ્થાન આપવામાં આવશે.

વર્તમાન સ્થિતિ અને ફેરફાર
હાલમાં ગુજરાતની ચાર મુખ્ય સરકારી કૃષિ યુનિવર્સિટીઓમાં એગ્રિકલ્ચર અને હોર્ટિકલ્ચરના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, પરંતુ પ્રાકૃતિક ખેતી અત્યાર સુધી માત્ર એક ‘ઇલેક્ટિવ’ (વૈકલ્પિક) વિષય તરીકે જ ભણાવવામાં આવતી હતી.

વિદ્યાર્થીઓ માટે શું ફાયદો થશે?
એગ્રિકલ્ચર કે હોર્ટિકલ્ચરમાં B.Sc. અથવા M.Sc. થયેલા વિદ્યાર્થીઓ નેચરલ ફાર્મિંગમાં પીએચડી માટે પ્રવેશ મેળવી શકશે.
સમગ્ર દેશમાં એક સમાન ક્રેડિટ ફ્રેમવર્ક લાગુ કરવામાં આવશે, જેથી શિક્ષણનું સ્તર જળવાઈ રહે.
પ્રાકૃતિક ખેતીના નિષ્ણાત તરીકે વૈજ્ઞાનિકો, સલાહકારો અને સંશોધકોની નવી પેઢી તૈયાર થશે.

નવા શૈક્ષણિક વર્ષથી અમલ
ICAR દ્વારા તમામ કૃષિ યુનિવર્સિટીઓને સર્ક્યુલર પાઠવી દેવામાં આવ્યો છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી દેશભરની કૃષિ યુનિવર્સિટીઓમાં આ ક્રેડિટ ફ્રેમવર્ક મુજબ નેચરલ ફાર્મિંગના રિસર્ચ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. ગુજરાતની નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં પણ આવતા વર્ષથી પીએચડીનો પ્રારંભ થશે.