Gujarat24

PM મોદીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ: જર્મનીના વાઇસ ચાન્સેલર સાથે અમદાવાદમાં યોજશે ભવ્ય રોડ-શો

Share On :

PM Modi Gujarat Schedule : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં પોતાના માદરે વતન ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ ખાસ એટલા માટે છે કારણ કે જર્મનીના વાઇસ ચાન્સેલર ફ્રેડરિક મર્જ પણ તેમની સાથે અમદાવાદના અતિથિ બનશે. રાજદ્વારી અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

એરપોર્ટ પર સ્વાગત અને ભવ્ય રોડ-શોની તૈયારી
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, જર્મનીના વાઇસ ચાન્સેલર ફ્રેડરિક મર્જ 12-13 જાન્યુઆરીના રોજ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ દિલ્હીના બદલે સીધા અમદાવાદ ઉતરશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા જશે. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી બંને નેતાઓનો એક ભવ્ય રોડ-શો યોજાય તેવી પણ શક્યતા છે.

પતંગ મહોત્સવ અને ફ્લાવર શોની લેશે મુલાકાત
અમદાવાદમાં અત્યારે ઉત્તરાયણનો માહોલ જામ્યો છે, ત્યારે બંને મહાનુભાવો રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ફ્લાવર શોની મુલાકાત લે તેવી પ્રબળ સંભાવના છે. પતંગ મહોત્સવમાં વિદેશી અતિથિઓ ગુજરાતની સંસ્કૃતિનો લ્હાવો લેશે. આ ઉપરાંત ગાંધીનગરમાં બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ શકે છે.

સૌરાષ્ટ્ર પર વિશેષ ધ્યાન
PM મોદીના આ પ્રવાસમાં સૌરાષ્ટ્ર કેન્દ્રસ્થાને રહેશે. રાજકોટમાં યોજાનારી ‘વાયબ્રન્ટ ગુજરાત રિજયન સમિટ’ દ્વારા સૌરાષ્ટ્રમાં ઉદ્યોગો અને રોકાણને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. 12 જાન્યુઆરીની સાંજે અમદાવાદથી વડાપ્રધાન દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે, જ્યારે જર્મનીના વાઇસ ચાન્સેલર ત્યાંથી સીધા બેંગાલુરુ રવાના થશે.