Ahmedabad Tragedy: અમદાવાદ શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડ્રેનેજ લાઇન માટે કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમિક જીવતો દટાયો હતો. આ ઘટનાને પગલે સાઇટ પર કામ કરતા અન્ય શ્રમિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને કોન્ટ્રાક્ટરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ન્યૂ મણિનગરના રોડ પર ડ્રેનેજ લાઇન માટે ઊંડી ખાઈ ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ઉપરથી માટીનો મોટો જથ્થો ધસી પડ્યો હતો. ત્યાં કામ કરી રહેલો પંકજ કટારા નામનો શ્રમિક કાટમાળ નીચે દટાઈ ગયો હતો. આસપાસના લોકો અને સાથી શ્રમિકોએ તેને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સુરક્ષાના સાધનોનો અભાવ અને બેદરકારીના આક્ષેપો
દુર્ઘટના બાદ સાથી શ્રમિકોએ કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. શ્રમિકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કામદારોને હેલ્મેટ, સેફ્ટી શૂઝ, બેલ્ટ કે જેકેટ જેવી પાયાની સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી ન હતી. જોખમી ખોદકામ ચાલતું હોવા છતાં સાઇટ પર કોઈ સત્તાવાર સુપરવાઈઝર કે કોન્ટ્રાક્ટરનો પ્રતિનિધિ હાજર નહોતો. પૂરતી સાવચેતી રાખ્યા વિના જ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી હતી, જે અંતે જીવલેણ સાબિત થઈ.
પોલીસ અને તંત્રની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પંકજ કટારાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અન્ય શ્રમિકોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા પણ આ મામલે તપાસના આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે. જો તપાસમાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડનીય પગલાં લેવામાં આવી શકે છે.



