King of Games: ગુજરાતમાં રમતગમત અને ભવ્યતાના અનોખા સંગમ સમાન ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નો શુક્રવારે શેલોના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે અત્યંત ભવ્ય રીતે પ્રારંભ થયો હતો. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત અને ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ઇવેન્ટ રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી પોલો ટુર્નામેન્ટ છે, જેણે પ્રથમ દિવસે જ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ગ્લેમર અને કલાનો સંગમ
ટુર્નામેન્ટનો પ્રારંભ એક ઉર્જાસભર ડાન્સ પરફોર્મન્સ અને વિશ્વ વિખ્યાત એક્રોબેટિક ડાન્સ ગ્રુપ ‘V Unbeatable’ ના રોમાંચક પ્રદર્શન સાથે થયો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લરે ટીમ માલિકોની હાજરીમાં ટુર્નામેન્ટની ચમકતી ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. અમદાવાદમાં પોલો રમત માટે આ પ્રકારનું ભવ્ય આયોજન પ્રથમવાર જોવા મળ્યું છે.
મેદાન પરની રોમાંચક ટક્કર
પ્રથમ દિવસે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ત્રણ રસાકસીભરી મેચો રમાઈ હતી:
પ્રથમ મેચ: જિંદાલ પેન્થર્સ વિરુદ્ધ મેફેર પોલો
દ્વિતીય મેચ: NAV યુનિકોર્ન્સ વિરુદ્ધ પુણે વોરિયર્સ
તૃતીય મેચ: KP કિંગ્સ વિરુદ્ધ અદાણી આર્ચર્સ
મેચોની વચ્ચે યોજાયેલા અશ્વોના કરતબોએ પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૩૦ થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી ૨૫ થી વધુ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂક્યા છે.
આયોજકોનું વિઝન
ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમારો હેતુ ગુજરાતમાં પોલો રમતને એક નવા જ સ્તરે લઈ જવાનો છે. પ્રથમ દિવસે જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ હવે પોલોને રમત અને સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે અપનાવવા તૈયાર છે.”
અન્ય પ્રમોટર સંજય પાલાડિયાએ ઉમેર્યું કે, “અમદાવાદમાં આ સ્તરે પોલોનું આયોજન અભૂતપૂર્વ છે. અમે રમતની પરંપરાને જાળવી રાખીને તેને આજના આધુનિક પ્રેક્ષકોને ગમે તે રીતે રજૂ કરી છે.”
રમત સાથે જીવનશૈલીનો અનુભવ
મેદાન પર માત્ર રમત જ નહીં, પરંતુ પ્રેક્ષકો માટે હેરિટેજ ઇન્સ્ટોલેશન્સ, ઘોડાઓનું પ્રદર્શન, ફેમિલી ઝોન અને લાઈવ મ્યુઝિક જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ટુર્નામેન્ટના અંતિમ દિવસે સિંક્રોનાઇઝ્ડ આતશબાજી અને લેઝર શો આકર્ષણનું કેન્દ્ર બનશે.



