New Rules : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા વાહનચાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 ફેબ્રુઆરી 2026 થી કાર, જીપ અને વેન જેવા ચાર પૈડાંવાળા વાહનો માટે નવું ફાસ્ટેગ મેળવતી વખતે કરવામાં આવતી ‘નો યોર વ્હીકલ’ (KYV) પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
KYV શું છે અને શા માટે હટાવવામાં આવી?
KYV એ એક પ્રકારની તપાસ પ્રક્રિયા છે જે ફાસ્ટેગ ઈશ્યૂ કરવા અને તેના ઉપયોગ સાથે જોડાયેલી છે. તેનો મુખ્ય હેતુ ફાસ્ટેગ સાચી ગાડી અને સાચા માલિક સાથે લિંક છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનો હતો, જેથી ફાસ્ટેગનો ખોટો ઉપયોગ કે ડુપ્લિકેટ ટેગ જેવી મુશ્કેલીઓ રોકી શકાય.
નવા ફેરફારથી શું થશે ફાયદો?
આ ફેરફારથી હાઈવે પર મુસાફરી કરનારા લાખો લોકોને સરળતા રહેશે અને ફાસ્ટેગ એક્ટિવ થયા પછી આવતી ટેકનિકલ મુશ્કેલીઓ દૂર થશે.
પહેલા ફાસ્ટેગ એક્ટિવ થયા પછી પણ ક્યારેક KYV વેરિફિકેશન માટે યુઝર્સે ડોક્યુમેન્ટ્સ આપવા પડતા હતા, જેની હવે કોઈ જરૂર રહેશે નહીં.
હવે વાહન પોર્ટલ પર ગાડીના રજિસ્ટ્રેશનની વિગતો ચેક કરીને જ એક્ટિવેશન કરવામાં આવશે. સાથે જ તે પણ જોવામાં આવશે કે ગાડી પર કોઈ જૂનું એક્ટિવ ફાસ્ટેગ કે બ્લેકલિસ્ટ થયેલું ટેગ તો નથી ને.
જેમની પાસે પહેલેથી ફાસ્ટેગ છે તેમને પણ હવેથી KYVની જરૂર રહેશે નહીં, જેનાથી સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.



