Gujarat24

ગુજરાત ATSને મોટી સફળતા: અડાલજ ખાતેથી ISIS સાથે સંકળાયેલા ત્રણ આતંકી ઝડપાયા

Share On :

Gujarat ATS News: ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે જ્યાં અમદાવાદમાં ગુજરાત એટીએસએ ત્રણ આતંકીઓને ઝડપી લીધા છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલા અડાલજ પાસે શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા આ ત્રણેય આતંકીઓ ઝડપાયા છે. ગુજરાત એટીએસને તેમની હિલચાલ વિશે માહિતી મળી હતી, જેના આધારે વોચ રાખીને ગત મોડી રાત્રે તેમને ઝડપવામાં આવ્યા છે. આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હોવાની આશંકા જણાઈ રહી છે.

સમાચારથી અપડેટ રહેવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

ત્રણેય આતંકી પાસેથી ડિજિટલ દસ્તાવેજ મળ્યા

ઝડપાયેલા આ ત્રણેય આતંકીઓ પાસેથી તપાસમાં અલગ અલગ સાહિત્ય પણ મળી આવ્યું છે. આ ઉપરાંત, તેમના મોબાઈલમાંથી તમામ ડિજિટલ દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જે તેમની આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું પુરવાર કરી રહ્યા છે. આ ત્રણેય આતંકીઓમાંથી બે આતંકીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને એક આતંકી હૈદરાબાદનો હોવાનો ખુલાસો થયો છે. હાલમાં ગુજરાત એટીએસ દ્વારા તેઓ છેલ્લા કેટલા સમયથી અમદાવાદ ગાંધીનગરમાં હતા, તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

આતંકીઓ ISIS સાથે સંકળાયેલા હોવાની શક્યતા

શરૂઆતમાં આ આતંકીઓ નવા મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. જોકે, અત્યારે હાલની માહિતી મુજબ, આ ત્રણેય આતંકીઓ આઈએસઆઈએસના મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આતંકીઓ દ્વારા વિઝિટ કરાયેલી જગ્યાઓના પુરાવા પણ ગુજરાત એટીએસના હાથે લાગ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રેકી કરતા હતા. પૂછતાછમાં એટીએસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ કયા કયા મોડ્યુલ સાથે જોડાયેલા હતા અને કઈ એક્ટિવિટી કરવાના હતા.

એટીએસ દ્વારા હવે આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ આતંકીઓને અહીં લોકલ કોણે કોણે આશરો આપ્યો છે. પ્રાથમિક માહિતીમાં એ પણ સામે આવ્યું છે કે થોડાક સમય પહેલા કેનાલ પાસે જે બિનવારસી હથિયારો કબજે કરવામાં આવ્યા હતા, તેમાં પણ આ આતંકીઓનું કનેક્શન હોવાની આશંકા છે. ગુજરાત હંમેશા આતંકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે અને ભૂતકાળમાં પણ આતંકીઓ દ્વારા રેકી કરીને મોટી ઘટનાઓને અંજામ આપવાના પ્રયાસો થયા છે.

ગુજરાત એટીએસની આ સફળતા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ ચારથી પાંચ મહિના પહેલા પણ એટીએસને ઈક્યુએસના ચાર આતંકીઓને ઝડપવામાં સફળતા મળી હતી, જે દેશભરમાં આતંકી પ્રવૃત્તિઓ કરવાના ઈરાદા ધરાવતા હતા. હાલ પકડાયેલા આઈએસઆઈએસ મોડ્યુલ સાથે સંકળાયેલા આ ત્રણેય આતંકીઓ કેટલા સમયથી રેડિકલાઈઝ્ડ હતા અને કઈ રીતના આ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.