Gujarat24

અમદાવાદ: એસ. જી. હાઈવે પર ગુરુદ્વારા અંડરબ્રિજ નજીક વહેલી સવારે ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસતા યુવકનું મોત, હાઈવે પર ટ્રાફિક જામ

Share On :

Ahmedabad News: અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે પર આજે, તારીખ ૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ વહેલી સવારના આશરે 5થી 5.30 વાગ્યાની આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક યુવકનું મોત થયું છે અને અન્ય બે યુવતી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્ત્વનું છે કે, અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેના દ્રશ્યો સામે આવ્યા છે.

સમાચારથી અપડેટ રહેવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

કિયા સેલ્ટોસ કારે ઊભેલી આઇસર ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી

મળતી માહિતી મુજબ, થલતેજ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા અંડરબ્રિજમાં ખાતે એક આઇસર ટ્રક રસ્તા પર બંધ હાલતમાં ઊભી હતી. આ દરમિયાન, થલતેજ તરફથી આવી રહેલી એક કિયા સેલ્ટોસ કારે ઊભેલી આઇસર ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ટ્રકની પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો.

કારમાં સવાર અન્ય બે યુવતીઓ ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા 23 વર્ષીય યુવક આર્યનને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કારમાં સવાર અન્ય બે યુવતીઓ, પ્રિયાંશી ચોકસી (૨૨) અને કીર્તિ અગ્રવાલ (૨૨)ને પણ શરીરે ઇજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર માટે જાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, આ બંને યુવતી પીજીમાં નવરંગપુરા ખાતે રહે છે. આ ઘટના બાદ આઇસર ટ્રકનો ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે ટ્રક ચાલકને શોધવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.