Gujarat24  /  India  /  

COVID-19: હોંગકોંગ-સિંગાપોર અને થાઈલેન્ડમાં કોરોના વકર્યો, ગુજરાતમાં એક જ અઠવાડિયામાં 6 કેસનો વધારો

COVID-19 Case in Asia: એશિયામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લીધે એશિયાઈ સરકારો ચિંતામાં છે. હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં 30 ગણો વધારો થયો છે. સિંગાપોરમાં પણ લગભગ એક અઠવાડિયામાં કોરોનાના કેસ 30 ટકા વધ્યા છે. હોંગકોંગે 10 મે 2025ના રોજ કોરોનાના કુલ 1,042 કેસ રિપોર્ટ કર્યા હતા. ગયા સપ્તાહે આ આંકડો 972 હતો. માર્ચની શરૂઆતમાં આ કેસ ફક્ત 33 હતા. એ પછી કેસ સતત વધી રહ્યા છે. પહેલી માર્ચે પૂરા થયેલા પોઝિટિવિટી રેટ ફક્ત 0.31 ટકા હતી, જે પાંચ એપ્રિલ સુધી 5.09 ટકા થઈ, જ્યારે 10 મે સુધી પૂરા થયેલા સપ્તાહમાં વધીને 13.66 ટકા થઈ છે.

મહત્ત્વનું છે કે, દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ 7 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે.

કોરોનાના બે નવા વાઈરસના લક્ષણો

એલએફ-7 વેરિયન્ટ ચીનથી આવ્યો હતો અને તે ત્યાં ઝડપથી ફેલાવવા લાગ્યો હતો. આ વાઈરસ પણ ઓમિક્રોનના સબ વેરિયન્ટનો હિસ્સો છે અને અન્ય વાઇરસની તુલનાએ ઝડપથી ફેલાય છે. પ્રારંભિક અહેવાલ મુજબ આ વાઇરસ વેકિસનથી બનેલી ઈમ્યુનિટીને આંશિક રીતે બાયપાસ કરી જાય છે.

તેના લક્ષણોમાં જોઈએ તો હળવો તાવ, સૂકી ખાંસી, ગળામાં ખારાશ, થાક, નાક બંધ રહેવું કે વહેવું તેનો સમાવેશ થાય છે. અન્ય વેરિયન્ટ એનબી-1 અમેરિકા, યુરોપ અને એશિયાના કેટલાક હિસ્સામાં ફેલાઈ રહ્યો છે. આ એક ઇમ્યુન એસ્કેપ વેરિયન્ટ છે. તેશરીરની રોગપ્રતિકારક ક્ષમતાને ચાતરી જવા સક્ષમ છે. તેના લક્ષણોમાં માથામાં જબરદસ્ત દુઃખાવો, તાવ, સ્નાયુઓમાં દુઃખાવો, ગળામાં ખારાશ અને લાંબા સમય સુધી ખાંસીનો સમાવેશ થાય છે.