Indian Truck Drivers Arrested US: અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરૂદ્ધ ત્યાંની સુરક્ષા એજન્સીઓએ લાલ આંખ કરી છે. તાજેતરમાં યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (U.S. Customs and Border Protection – CBP) દ્વારા હાથ ધરવામાં આવેલા એક વિશેષ અભિયાન અંતર્ગત આશરે 30 જેટલા ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકી એજન્સીના જણાવ્યા અનુસાર, આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહીને કોમર્શિયલ ટ્રક ડ્રાઇવર (Commercial Truck Driver) તરીકે કામ કરી રહ્યા હતા. આ પકડાયેલા તમામ ભારતીયોને ખૂબ જ ટૂંક સમયમાં ભારત ડિપોર્ટ (Deport) એટલે કે દેશનિકાલ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
વીકેન્ડ દરમિયાન 52 લોકોની અટકાયત
એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, 11 થી 15 મેના વીકેન્ડ દરમિયાન એરિઝોના (Arizona) ના યુમા સેક્ટર (Yuma Sector) માં બોર્ડર પેટ્રોલ એજન્ટ્સ (Border Patrol Agents) દ્વારા ‘ઓપરેશન ચેકમેટ’ (Operation Checkmate) ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ કુલ 52 લોકોની ગેરકાયદેસર વસવાટના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 36 લોકો સેમી-ટ્રક એટલે કે ટ્રેલર ટ્રક ચલાવતા પકડાયા હતા. આ 36 ડ્રાઇવરોમાંથી 30 ડ્રાઇવરો મૂળ ભારતના છે, જ્યારે બાકીના 6 અન્ય નાગરિકો મેક્સિકો (Mexico), અલ સાલ્વાડોર (El Salvador) અને રશિયા (Russia) ના વતની છે.
દસ્તાવેજો અને લાયસન્સની તપાસમાં ખુલાસો
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પકડાયેલા ડ્રાઇવરો પાસે કેલિફોર્નિયા (California), ન્યૂયોર્ક (New York), વોશિંગ્ટન (Washington) અને વર્જિનિયા (Virginia) જેવા દેશના અગ્રણી રાજ્યોના કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ (Commercial Driver’s License – CDL) હતા, જ્યારે કેટલાક ડ્રાઇવરો પાસે તો કોઈ પણ પ્રકારનું લાયસન્સ જ નહોતું. આ ઉપરાંત, મોટાભાગના ડ્રાઇવરો પાસે જો બાઇડન (Joe Biden) પ્રશાસન દરમિયાન જારી કરાયેલા રોજગાર લાયકાત દસ્તાવેજો એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ (Employment Authorization Documents – EAD) મળી આવ્યા હતા, જે વર્તમાન નિયમો અનુસાર હવે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અમાન્ય થઈ ચૂક્યા છે. સંઘીય કાયદા (Federal Law) મુજબ આ તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પબ્લિક સેફ્ટી અને ટ્રમ્પ પ્રશાસનનો કડક આદેશ
યુએસ બોર્ડર પેટ્રોલના એક્ટિંગ ચીફ પેટ્રોલ એજન્ટ ડસ્ટિન કોડલ (Dustin Caudle) ના જણાવ્યા અનુસાર, ઓપરેશન ચેકમેટનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકી રસ્તાઓ અને નાગરિકોની જાહેર સુરક્ષા (Public Safety) વધારવાનો છે. ગેરકાયદેસર ડ્રાઇવરો રસ્તા પર જીવલેણ અકસ્માતોનું કારણ બને છે, જેથી તેમને રોકવા એજન્ટો સતત ગશ્ત લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પ્રશાસન હેઠળના પરિવહન વિભાગે (Department of Transportation) એક કડક આદેશ જાહેર કર્યો છે, જે અંતર્ગત અયોગ્ય વિદેશી ચાલકોને કોમર્શિયલ ટ્રક કે બસ ચલાવવાના લાયસન્સ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.













