બલુચિસ્તાનમાં ૨૫ વર્ષીય હિન્દુ યુવતી કશીશ ચૌધરીએ ઇતિહાસ રચ્યો છે. કશીશ ચૌધરી બલુચિસ્તાનમાં અસિસ્ટન્ટ (મદદનીશ) કમિશનરનું પદ સંભાળનારી પ્રથમ હિન્દુ મહિલા બની છે. કશીશે બલુચિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન (બીપીએસસી)ની પરીક્ષા પાસ કરી આસફળત મેળવી છે. જેની હાલ બલુચિસ્તાનમાં ભારે ચર્ચા થઈ રહી છે.
બલુચિસ્તાનના ચગાઇ જિલ્લાના નોશકીની રહેવાસી કશીશ પોતાના પિતા ગીરધારીલાલ સાથે બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગટીને મળી હતી. જે દરમિયાન તેણે મુખ્યમંત્રીને કહ્યું હતું કે હું લઘુમતીઓ તેમજ મહિલાઓ અને પ્રાંતના તમામ લોકોના સશક્તિકરણ માટે કામ કરવા માગું છું.
મીડિયા સાથેની વાતચીતમાં કશીશના પિતા ગીરધારીલાલે કહ્યું હતું કે મારી પુત્રી અસિસ્ટન્ટ કમિશનર બની તે મારા માટે ગૌરવની વાત છે. આ સિદ્ધી તેણે પોતાની મહેનત અને પ્રતિબદ્ધતાને કારણે મેળવી છે. મારી પુત્રી હંમેશા મહિલાઓ માટે કંઈક કરવા માગતી હતી. જ્યારે મુખ્યમંત્રી સરફરાઝે કહ્યું હતું કે, જ્યારે લઘુમતી સમાજના લોકોને કોઈ સિદ્ધી મળે છે ત્યારે તે દેશ માટે ગૌરવ સમાન ગણાય છે. કશીશ રાષ્ટ્ર અને બલુચિસ્તાન માટે ગૌરવનું પ્રતિક છે.
પુરુષ પ્રધાન પાકિસ્તાનમાં તાજેતરમાં હિન્દુ સમાજની મહિલાઓ સિદ્ધીઓ પ્રાપ્ત કરવા લાગી છે. આ પહેલા જુલાઈ 2022ના રોજ મનેશ રોપેટા કરાચીમાં એસપી બનનારી પ્રથમ હિન્દુ મહિલા હતી. હાલમાં તે પોતાની ફરજ બજાવી રહી છે. કરાચીમાં પીએસઆઈ તરીકે સેવા આપી રહેલી 35 વર્ષીય પુષ્પા કુમારીએ કહ્યું હતું કે, ઉંચાઈ પર પહોંચવામાં હિન્દુ મહિલાઓ પાસે આવડત છે.